Vadodara : વડોદરા શહેરના સમા બ્રીજથી અમિત નગર સર્કલની ઈએમઈ કમ્પાઉન્ડના કારણે રોડ રસ્તા સાંકડા થઈ જાય છે, એવી જ રીતે મકરપુરાથી જીઆઇડીસી ચાર રસ્તા જતા ભવન સ્કૂલની એક બાજુએ પણ ઇએમઇની કમ્પાઉન્ડથી રોડ રસ્તા સાંકડા થતા હોવા અંગે પૂર્વ કાઉન્સિલરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી આ રસ્તા પહોળા કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરના સમા બ્રિજથી અમિત નગર સર્કલ આવતી વખતે ઇએમઇની કમ્પાઉન્ડ હોલ હોવાથી એક બાજુનો રસ્તો સાંકડો થઈ જાય છે. આવી જ રીતે મકરપુરા જતા ભવન સ્કૂલથી મકરપુરા તરફના પણ એક બાજુ ઇએમઇની કમ્પાઉન્ડ વોલના કારણે એક બાજુનો રોડ રસ્તો સાંકડો થઈ જાય છે પરિણામે અવારનવાર ટ્રાફિક જામ સહિત વિસ્તારમાં ભારે ટ્રાફિક રહે છે. પરિણામે આ બંને રોડ ઇએમઇ પાસેની કમ્પાઉન્ડ વોલ અંદરની બાજુએ ખસેડી લેવાથી રોડ રસ્તો સંપૂર્ણપણે મોટો અને વ્યવસ્થિત તથા સુંદર બની શકે તેમ છે હાલ આ બંને જગ્યાએ ઇએમઇની જમીનના લીધે રોડ રસ્તા પર એક બાજુએ ખાંચો પડી જાય છે અને સીધા મોટા રોડમાં અચાનક સાંકડો થવાના કારણે કાયમી ધોરણે અકસ્માતોનો ભય સર્જાયા કરે છે. જેથી આ બંને રસ્તા પહોળા કરવા ઘટતું કરવાની માંગ પાલિકાના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી હતી.


