Gujarat

અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાંથી તબદીલ કરવા માગણી

By GS TEAM
4 Nov 20252 mins read
અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાંથી તબદીલ કરવા માગણી

મોબાઈલ ફોન સહિતની સગવડ અપાતી હોવાનો આક્ષેપ

રીબડાના મૃતક અમિત ખૂંટના ભાઈએ જેલના વડાને રજૂઆત કરી, જૂનાગઢ જેલના અધિક્ષક સામે પણ આક્ષેપો

ગોંડલ: આપઘાત કરનાર રીબડાના અમિત ખૂંટના ભાઈ મનિષે રાજયના જેલ વડાને પત્ર લખી જૂનાગઢ જેલમાં બંધ પાકા કામના કેદી અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલ અધિક્ષક દિપક ગોહેલ સાથે સાંઠગાંઠને કારણે મોબાઈલ ફોન અને બીજી ગેરકાયદે સગવડો મળી રહ્યાનો આક્ષેપ કરી જેલ ટ્રાન્સફર કરવા માંગ કરી છે. 

અરજીમાં જણાવાયું છે કે એવી માહિતી મળી છે કે તાજેતરમાં અનિરૂદ્ધસિંહની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે અંગે જૂનાગઢ પોલીસમાં ગુનો નોંધાયો છે. (જો કે આ અંગે અજાણ્યાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે). થોડા સમય પહેલાં અનિરૂદ્ધસિંહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ અવાયા હતા. જે પણ શંકાસ્પદ છે. 

અગાઉ પણ જૂનાગઢ જેલમાંથી રાજકોટ સિવિલમાં ચેકઅપ કરાવવાના બહાને લઈ અવાતા ત્યારે ખંડણી, ગેરકાયદે ચૂંટણી પ્રચાર અને અન્ય ગુનાઈત પ્રવૃતિઓ કરતા હતા. જે અંગેની અરજીઓ હાઈકોર્ટમાં પણ થઈ હતી. 

ર૦૧૮ પહેલાં પણ અનિરૂધ્ધસિંહ જૂનાગઢ જેલમાં હતા ત્યારે ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હતા. અનિરૂદ્ધસિંહ તેના ભાઈના આપઘાત કેસમાં આરોપી છે. જે કેસ હાલ પેન્ડીંગ છે. આ સ્થિતિમાં તેના પરિવારને કે તેના કેસને નુકસાન પહોંચાડે તેવી દહેશત છે, જેથી જૂનાગઢ જેલમાંથી મળેલા મોબાઈલ ફોનના કેસની તપાસ એસઓજી અગર તો ક્રાઈમ બ્રાંચને સોંપવા, મોબાઈલ ફોનથી કોને-કોને કોલ થયા છે તેની તપાસ કરાવવા, જેલ અધિક્ષક દિપક ગોહેલ વિરૂધ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરી અનિરૂધ્ધસિંહને સીસીટીવી કેમેરા હોય તેવી જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી છે.