વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી
Vadodara Corporation : વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાંસ દ્વારા ઝડપથી થાય તે માટે તમામ કાંસોની સફાઈ કરવા કોર્પોરેશનમાં મળેલી રીવ્યુ બેઠકમાં પણ સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેરના મધ્યમાં દાંડિયા બજાર લકડી પુલ પાસે ગાયકવાડી શાસન વખતનો જે વરસાદી કાંસ છે તે સાફ કરાયો નથી. આ કાંસમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનના કારણે કાંસ ગટરના પાણીથી ભરાયેલી છે. ગટરનું પાણી બંધ કરવા કાંસની સફાઈ કરવા માગણી કરવામાં આવી છે.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વોર્ડ ઓફિસમાં વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાંય કામગીરી કરવામાં આવતી નથી. ફાયર બ્રિગેડ તેમજ સીસીટીવી કમાન્ડ સેન્ટરની બાજુમાં પસાર થઈ રહેલા ગાયકવાડી શાસન વખતના વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી વહી રહ્યું હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. ખરેખર અહીં વરસાદી પાણી વહેવું જોઈએ તેને બદલે ગટરના પાણી જઈ રહ્યા છે. આ વિસ્તાર ખૂબ ગીચ છે અને આવી ગંદકીના કારણે ચોમાસામાં મચ્છર અને જીવાતનો ત્રાસ વધતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. આસપાસના રહીશો આના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. તેમણે કોર્પોરેશનના કમિશનરને સ્થળની મુલાકાત લઇ વરસાદી કાંસની સ્થિતિનું નિરીક્ષણ કરી કાંસમાં સફાઇ કરાવી ડ્રેનેજના પાણી બંધ કરાવવા રજૂઆત કરી છે.