બોટાદના રેલવે સ્ટેશનથી ગઢડાની એસટી બસ સેવા શરૂ કરવા માંગણી
- એસ.ટી.તંત્રની ઉદાસીનતાથી મુસાફરોમાં આક્રોશ
- ભૂતકાળમાં સાંજે 7 કલાકે અને રાત્રે 9 કલાકે બસ સેવા શરૂ હતી અને તેમાં પૂરતો ટ્રાફિક પણ મળતો
અમદાવાદ સહિત રાજયના અન્ય મહાનગરોમાંથી ગઢડામાં આવવા માટે આ પંથકના લોકો અમદાવાદથી બોટાદ સુધી વાયા ટ્રેન સેવાનો લાભ લઈ રહ્યા છે. બોટાદના રેલવે સ્ટેશનથી ગઢડા આવવા માટે ઉંચા વાહન ભાડા ખર્ચીને મુસાફરોએ બોટાદ બસ સ્ટેશન અથવા ગઢડા ચોકડી સુધી ફરજિયાત જવુ પડે છે. ગઢડા એસ.ટી. ડેપો દ્વારા ભૂતકાળમાં સાંજે સાત કલાકે અને રાત્રે નવ કલાકે બોટાદથી ગઢડા માટે લોકલ બસ ફેરો ચલાવતી બસ સેવા માટે બોટાદ રેલવે સ્ટેશન પાસે બસ મૂકાતી હતી. આ બસ સેવાના કારણે બોટાદ રેલવે સ્ટેશનથી ગઢડા સુધી પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળી જતો હતો. એસ.ટી.ને ફાયદો થવા ઉપરાંત મુસાફરોને રેલવે સ્ટેશનથી ગઢડા સુધી પહોંચવા માટે ઉત્તમ સગવડ મળી રહેતી હતી. છેલ્લા કેટલાય સમયથી એસ.ટી.તંત્ર દ્વારા આ સેવા પણ બંધ કરી દેવામાં આવતા સમગ્ર પંથકના ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.સંબંધિત સત્તાધીશો તાત્કાલિક અસરથી પુનઃ રેલવે સ્ટેશનથી ગઢડા માટેની બસ સેવા શરૂ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.