એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ
પાલિકાના પૂર્વ સદ્દસ્યોએ નાગરિક અધિકાર પત્ર સહિત વિવિધ પ્રશ્ને કમિશનરને રજૂઆત કરી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મનપાની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ સહિતના પ્રશ્ને પાલિકાના પૂર્વ સદ્દસ્યોએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.
દક્ષિણ ઝોનના રહિશો માટે મેઘાણી બાગ રોડ પર કાર્યરત કરવામાં આવેલી ઝોનલ ઓફિસ રતનપર અથવા જોરાવરનગરમાં શરૃ કરવામાં આવે. મનપા કચેરીની મુખ્ય ઓફિસમાં પણ જન સેવા કેન્દ્ર શરૃ કરવામાં આવ જેથી નાગરિકોને મુખ્ય ઓફિસમાં જ સરળતાથી તમામ સેવાઓ મળી રહે.
મનપાની મુખ્ય અને ઝોનલ ઓફિસોને પરિસરમાં સરળ ભાષામાં લખાયેલું નાગરિક અધિકાર પત્ર પ્રદર્શિત કરવામાં આવે જેથી લોકોને સેવાઓની વિગતો, સમયમર્યાદા તેમજ જવાબદાર અધિકારીઓ તથા ફરિયાદ કરવાની રીત વગેરે માહિતી મળી રહે. તેમજ આરટીઆઈ અંતર્ગત દરેક જાહેર સંસ્થાને પણ પોતાની ઓફિસમાં જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારીની વિગતો જાહેર કરવામાં આવે. તેમજ મનપાના પ્રવેશ દ્વાર તથા મુખ્ય કાર્યાલયમાં અને વેબસાઈટ પર પણ જાહેર માહિતી અધિકારી તથા અપીલ અધિકારીના નામ, હોદ્દા, સંપર્ક નંબર, ઈ-મેઈલ અને કાર્યાલયનું સરનામું દર્શાવતા સ્પષ્ટ માહિતી બોર્ડ લગાવવામાં આવે.