Get The App

લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
લખતર યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવા માંગ 1 - image

- ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં ખરીદી શરૂ નહીં થતા રોષ

- યાર્ડમાં પુરા ભાવ ન મળવા છતાં તહેવારને લઇ ખોટ ખાઇ ખેડૂતો કપાસ વેચવા મજબૂર

લખતર : લખતર તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ખેડૂતો દરરોજ કપાસ વીણી લખતર એપીએમસીમાં વહેંચવા આવે છે પરંતુ સરકાર દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે ૦૨ મહિના પહેલા લખતર તાલુકાના અનેક ખેડૂતોએ સીસીઆઈમાં કપાસ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે દિવાળીના ટાણે જ ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા ખરીદી કરવામાં ન આવતા ખેડૂતોને નુકશાની ભોગવી વેપારીને કપાસ વેચવાનો વારો આવ્યો છે. આથી સરકાર દ્વારા એપીએમસીમાં પોષણક્ષમ ભાવ સાથે ખેડૂતોના કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત લખતર એપીએમસીમાં ચણાની ખરીદીનું કેન્દ્ર આપવામાં આવ્યું છે પરંતુ તુવેરની ખરીદીનું કેન્દ્ર આપવામાં આવ્યું નથી જેના કારણે ખેડૂતોને અન્ય તાલુકામાં વેચવા જવાનો વારો આવ્યો છે. આથી સરકાર દ્વારા લખતર એપીએમસીમાં તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવે તેવી પણ ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. હાલ ખેડૂતોને પ્રતિ મણ ૨૦૦ રૂપિયા ઓછા ભાવે કપાસ વેચવો પડે છે જેથી સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.