વડોદરાના કરોડીયા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ : વેરા ઉઘરાવતા પાલિકા તંત્રથી ગામને અલગ કરી દેવા માગ
Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા કરોડિયા ગામને પાલિકામા ભેળવી દેવાયા બાદ પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે મળશે એવા ઠાલા વચનો આપનાર તંત્ર દ્વારા છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં રોડ રસ્તા અને પીવાનું ચોખ્ખું પાણી નહીં મળતું હોવા બાબતે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પાલિકાથી અલગથી કરી દેવા માગ કરી ભારે સૂત્રોચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર વિભાગમાં આવેલા કરોડીયા ગામને બે દાયકા અગાઉ પાલિકા તંત્રમાં ભેળવી દેવાયું હતું અને સ્થાનિક રહીશોને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવા હૈયાધારણ આપી હતી. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસાના ચાર મહિના સુધી કાદવ કિચડ ખુંદતા ગામમાંથી પસાર થવું પડે છે. સ્ટ્રીટ લાઈટો પણ નિયત સમયે બંધ રહે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જણાવતા યોગ્ય જવાબ તેમના તરફથી મળતો નથી. તંત્ર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં ઉણું ઉતરેલું પાલિકા તંત્ર કરોડીયા ગામને પાલિકાથી છૂટું કરી દેવાય તેવી માંગ કરી રહ્યા છે. ગામમાં કોઈ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી સ્થિતિમાં રોડ રસ્તા નથી. દૂર સુધી સાઇકલ પર જઈને પીવાનું પાણી કેરબામાં લાવવાની ફરજ પડે છે. સ્થાનિક રહીશોએ આ તમામ પ્રાથમિક બાબતો અંગે આજે પ્લે કાર્ડ સાથે એકત્ર થઈને ભારે સૂત્રોચાર સાથે સગવડ આપવા માંગ કરી હતી.