મુસાફર
ટ્રેન શરૃ થાય તો વેપારીઓને સરળતા રહેશે
પાટડી
અને ખારાઘોડા રેલવે સ્ટેશને માલગાડીઓ આવતી હોવાથી મુસાફર ટ્રેન દોડાવવા લોકમાંગ
પાટડી -
સુરેન્દ્રનગરના પાટડીમાં વર્ષોેથી મુસાફર ટ્રેન બંધ થઈ જતા વેપારી
તથા પાટડીના શહેરીજનો અને તાલુકાના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે
અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ નહી આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
પાટડીનું
ખારાઘોડા મીઠાના ઉદ્યોગ તરીકે જાણીતું છે. જ્યાંથી મીઠુ નેપાળ સુધી ટ્રેન મારફતે
વહન કરવામાં આવે છે. પાટડીના ખારાઘોડા સુધી માલગાડી આવે છે પરંતુ મુસાફર ટ્રેન
આવતી નથી. પાટડીથી અમદાવાદ તરફ કે રાજકોટ,
જુનાગઢ જ્યારે ટ્રેન મારફતે જવાનું થાય ત્યારે પાટડી તાલુકાના
વેપારીઓ સહિત લોકોને વિરમગામ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર
રેલવે સ્ટેશન સુધી જવું પડે છે. જેના કારણે સમય અને રૃપિયા બંનેનો વ્યય થાય છે.
પાટડીમાં
વર્ષોથી રેલવે સ્ટેશન તો છે પરંતુ પેસેન્જર ટ્રેન આવતી નથી જેના કારણે રેલવે
સ્ટેશનની હાલત પણ બિસ્માર અને શોભાના ગાંઠિયા સમાન બની છે. પાટડીથી ૦૮ કિલોમીટર
બજાણાથી કચ્છ અને અમદાવાદ તરફ જતી ટ્રેનનું સ્ટોપેજ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ
સ્ટોપેજ પણ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર બંધ કરી દેતા હાલ ટ્રેનની મુસાફરી કરવી
પાટડીવાસીઓ માટે મુશ્કેલ બની છે.
પાટડીમાં
શક્તિ માતાજીનું મંદિર, વર્ણીન્દ્રધામ સ્વામિનારાયણ મંદિર, ઘુડખર અભ્યારણ્ય,
વચ્છરાજ દાદા મંદિર, પીપળી ધામ જેવા અનેક ધામક
સ્થળો આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતભરથી લોકો આવે છે. પાટડી આવવા માટે હાલ
બસ અને ખાનગી વાહનો જ માત્ર માધ્યમ છે. આથી પેસેન્જર ટ્રેન શરૃ કરવામાં આવે તેવી
માંગ ઉઠવા પામી છે. અનેક વખત સ્થાનિક આગેવાનો, સામાજીક
સંસ્થાઓ દ્વારા રેલવે વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં હજુ સુધી પાટડીમાં
પેસેન્જર ટ્રેન શરૃ કરવામાં આવી નથી. રોડ પર અકસ્માતોથી પણ લોકોમાં ભય સેવાઈ રહ્યો
છે આથી પાટડી તાલુકામાં જો પેસેન્જર ટ્રેન શરૃ થાય તો લાંબા અંતરની મુસાફરી
સરળતાથી થઈ શકે અને પાટડી સહિત ગ્રામ્ય વિસ્તારનો લોકોને મોટો ફાયદો પણ થઈ શકે છે.
ભાજપના સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદ પણ સમગ્ર સમસ્યાથી વાકેફ હોવા છતા આ
મામલે કોઈ રસ દાખવતા ન હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આથી પાટડી તાલુકાના
વેપારીઓ અને મુસાફરોને ધ્યાને લઈને પેસેન્જર ટ્રેન શરૃ કરવામાં આવે તેવી માંગ
કરવામાં આવી છે.


