- મુસાફરોને બોટાદ કે ધોળા સ્ટેશન જવું પડતું હોવાનો કકળાટ
- 15 જેટલા ગામના લોકોને અમદાવાદ અને દ્વારકા જવા સરળતા રહે, ડીઆરએમને રજૂઆત
નિંગાળા : ભાવનગરથી ઉપડતી સાબરમતી અને ઓખા ટ્રેનને નિંગાળા સ્ટેશન પર સ્ટોપ આપવાની માંગણી સાથે ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે.
ગઢડા તાલુકાના નિંગાળા અને આજુબાજુના ૧૦થી ૧૫ ગામના લોકોને અમદાવાદ કે દ્વારકા જવા માટેની ટ્રેન પકડવા હાલ બોટાદ અથવા ધોળા સ્ટેશન જવું પડે છે. જેના કારણે મુસાફરોને આર્થિક અને સમયનો વ્યય થાય છે. ત્યારે ભાવનગર ટર્મિનસથી ચાલતી સાબરમતી ઈન્ટરસિટી અને ઓખા ટ્રેનને નિંગાળા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તો લોકોને સમય અને પૈસાની બચત થઈ શકે. સાથે અમદાવાદ કે દ્વારકા જવામાં પણ ઘરઆંગણે જ ટ્રેનની સુવિધા મળતા સરળતા રહે તેમ હોય, આ બાબતે નિંગાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભાવનગર ડીઆરએમને લેખિતમાં રજૂઆત કરી નિંગાળા મેઈન લાઈન સ્ટેશન હોય, આ બન્ને ટ્રેનને હોલ્ટ આપવાની માંગણી કરવામાં આવી છે.


