વડોદરામાં પાર્કસ એન્ડ ગાર્ડન તથા ઝૂ વિભાગના કર્મચારીઓની કાયમી કરવા માગણી
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન હસ્તકની પાર્કસ એન્ડ ગાર્ડન તથા ઝૂ શાખામાં કામ કરતા માનવ દિન કર્મચારીઓને કાયમીનો લાભ આપવા માટે માંગણી કરવામાં આવી છે. થોડા વખત અગાઉ કમાટીબાગ ખાતે કર્મચારીઓએ પોતાની માગણીઓ સંદર્ભે દેખાવો કર્યા હતા અને કામગીરીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. તેઓએ બગીચાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓ લાવવાની વિચારણા શરૂ થઈ, તે સામે વિરોધ દર્શાવ્યો છે.
સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ જણાવ્યું છે કે બગીચાઓમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. કોર્પોરેશનના બીજા વિભાગોમાં માનવ દિન કર્મચારીઓને કાયમીનો લાભ આપવામાં આવ્યો છે, તે રીતે બાગના કર્મચારીઓને પણ ન્યાય મળવો જોઈએ, કારણ કે આ લોકોના 2,000 થી વધુ દિવસ પૂરા થયા છે. છેલ્લા 15 વર્ષથી બગીચાઓમાં માળી, સફાઈ કામદાર, એનિમલ કીપર સહિતની વિવિધ કામગીરી કરતા 140 કર્મચારીઓ છે. જેમાંથી 118 કર્મચારીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા સયાજીબાગ ઝૂમાં વાર્ષિક ઇજારાથી માનવ દિન સપ્લાય કરવા માટે તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી હતી. જેનો કર્મચારીઓએ વિરોધ કર્યો છે. હાઇકોર્ટમાંથી હાલ યથા પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કરાયો છે, અને 19 ઓગસ્ટે સુનાવણી રાખી છે. જેમાં કોર્પોરેશન તેનો જવાબ રજૂ કરશે.