વડોદરામાં MSUની કોમર્સ ફેકલ્ટીમાં સીટો વધારીને બાકીના 1020ને વિદ્યાર્થીઓને એડમિશન આપવા માગણી
Vadodara M S University : એમ.એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશન મુદ્દે આજે એન.એસ.યુ.આઈ દ્વારા ફેકલ્ટી ડિન સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આજે સવારે વિદ્યાર્થી આગેવાનો સૂત્રોચાર કરતા ડિન ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે હજુ 1020 વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે, તો તે તમામને ઓફર લેટર મોકલી પ્રવેશ આપવો જોઈએ અને જરૂર પડે તો સીટમાં પણ વધારો કરવો જોઈએ.
વિદ્યાર્થી આગેવાનોનું કહેવું હતું કે 1100 વિદ્યાર્થીઓમાંથી પ્રવેશ માટે માંગ કરતા યુનિવર્સિટી સત્તાધિશોએ માત્ર 80 ને ઓફર લેટર મોકલ્યા છે, તો બાકીના 1020 નું શું? તે સવાલ કરીને કહ્યું હતું કે સેકન્ડ ફેઝમાં પ્રવેશ આપવાનું કહીને માત્ર 54 ને ઓફર લેટર મોકલ્યા હતા. પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ પાસેથી ફૉર્મ દીઠ 300 ઉઘરાવી લીધા છે. કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપ્રત કરીને આ પ્રશ્નનો કોઈ નિર્ણય નહીં આવે તો આંદોલન સાથે ફેકલ્ટીને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન ફેકલ્ટીના વર્તુળોએ જણાવ્યું હતું કે અગાઉ નક્કી થયા મુજબ ટેકનિકલ એરર અથવા તો ઇન્ટરનેટની તકલીફોના કારણે જે લોકો ફી ભરી શક્યા ન હોય તેઓની તા.9 જુન સુધીમાં જેટલી એપ્લિકેશનનો આવી હોય તે ચકાસીને એડમિશન આપવું તેવું નક્કી થયું હતું. હવે એડમિશન કમિટી બાકી રહેલા વિદ્યાર્થીઓ સંદર્ભે રેકોર્ડ કાઢીને ચકાસી રહી છે અને એકાદ દિવસમાં નિર્ણય લઈ લેશે તેમ જાણવા મળ્યું છે.