સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કોમર્સમાં એફવાયની બેઠકો વધારવા માગ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં ૬૪૦૦ બેઠકોની સામે જીકાસ પોર્ટલ પર ૧૦૧૭૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હોવાની જાણકારી સામે આવ્યા બાદ હવે ફેકલ્ટીમાં એફવાયની બેઠકો વધારવાની માગણી શરુ થઈ ગઈ છે.
જાણકારોનું માનવું છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ અને ફેકલ્ટી સત્તાધીશોએ બેઠકો વધારવાની તૈયારી બતાવવી પડશે.જેથી વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે.આજે યસ ગુ્રપ દ્વારા આ બાબતે ફેકલ્ટી ડીન સમક્ષ માગણી કરવામાં આવી હતી કે, બેઠકો વધારવા માટે ડોનર્સ પ્લાઝામાં આવેલા બીકોમ ઓનર્સના બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે અથવા અન્ય કોઈ બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવે.જેથી વડોદરાના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાનો વારો ના આવે.
ઉલ્લેખનીય છે કે , ગત વર્ષે પણ કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો ઘટાડી દેવાનો નિર્ણય વડોદરાના વિદ્યાર્થીઓ પર ભારે પડયો હતો.આ મુદ્દે આંદોલન થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ ૬૪૦૦ બેઠકો પર પ્રવેશ આપ્યો હતો.આમ છતા ધો.૧૨ના ઉંચા પરિણામના કારણે વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા.આ વર્ષે પણ ધો.૧૨ કોમર્સનું વડોદરાનું ૮૭ ટકા પરિણામ આવ્યું છે.બેઠકો વધારવાના મુદ્દે સત્તાધીશો જક્કી વલણ અપનાવશે તો આગામી દિવસોમાં ઘર્ષણ પણ થઈ શકે છે.