લીંબડી સીટી સર્વેની હદમાં આવેલી જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માંગ
- વઢવાણના વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દબાણ કરનાર સામે કાર્યવાહીની કલેકટરને રજૂઆત કરી
સુરેન્દ્રનગર : લીંબડી શહેરી વિસ્તારમાં આવેલી જમીન પર એક શખ્સ દ્વારા ગેરકાયદે દબાણ અને કબજો કર્યાની ભોગ બનનારના પરિવારજને લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ કલેકટરને લેખિત અરજી કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાવિનભાઈ ભુદરભાઈ પરમાર (રહે.ઉમીયા ટાઉનશીપ, નવો ૮૦ ફુટ રોડ વઢવાણ)એ લીંબડી સીટી સર્વે નંબર ૩૦૨૦/૨ ની જમીન ગોવિંદભાઈ તળશીભાઈ દલવાડીએ તેમના પાંચ દિકરાના નામે વેચાણથી ખરીદી હતી. જે પૈકી એક દીકરાએ પોતાનો હક્ક હિસ્સો જતો કરતા અન્ય ચાર દીકરાઓ (૧) દલવાડી ભુદરભાઈ ગોવિંદભાઈ (૨) દલવાડી નાનુભાઈ ગોવિંદભાઈ (૩) દલવાડી ઈશ્વરભાઈ ગોવિંદભાઈ અને (૪) દલવાડી મહાદેવભાઈ ગોવિંદભાઈને ફારગતીનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને ચારેય ભાઈઓએ જમીનની વહેચણી કરી દીધી હતી અને અલગ-અલગ જમીનોના પ્રોપર્ટી કાર્ડમાં પણ નામે ચડી હતી. ત્યારે દલવાડી નાનુભાઈ ગોવિંદભાઈએ તેમની મિલ્કત સીટી સર્વે નં.૩૦૨૦/૪ ને બુરહાનભાઈ સૈફુદીનભાઈ વ્હોરાને રજીસ્ટ્રાર દસ્તાવેજથી વેચાણ કરી હતી જેનો ચો.મી.૨૧૨.૯૫ છે. પરંતુ બુરહાનભાઈ તેમની ઉત્તર દિશામાં આવેલી ભુદરભાઈ ગોવિંદભાઈ દલવાડીની મિલ્કત ૩૦૨૦/૨ની જમીન પર ગેરકાયદેસર રીતે અંદાજે ૩૨ ચો.મી. પર કબજો કરી બે માળના મકાનનું બાંધકામ અને દુકાન બનાવી નાંખી છે અને ગેરકાયદેસર કબજો કરી અરજદારના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપે છે. આથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી અને જમીન ખુલ્લી કરવાની માંગ સાથે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરી ગેરકાયદેસર કબજો અને દબાણ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે.