Gujarat

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ

By GS TEAM
21 Aug 20251 min read
આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ

- ઉદ્ધત વ્યવહારના પરિણામે પોલીસ ફરિયાદ ટાળતા વિદ્યાર્થીઓ

- એસટી બસ મથકેથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોના ટુવ્હીલર ચોરીના કિસ્સા વધ્યા

આણંદ : આણંદમાં અભ્યાસ અર્થે રાજ્ય અને રાજ્ય બહારથી વિદ્યાર્થીઓ આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ આણંદના નવા એસટી બસ મથકે વાહન પાર્ક કરી અપડાઉન કરતા હોય છે. એસટી બસ સ્ટેન્ડે પાર્કિંગના અભાવે વાહન ચોરાઈ જવાના કિસ્સા વધ્યા છે. 

સેવાલીયા, ઠાસરા, ડાકોર, આણંદ, ઉમરેઠ, ઓડ, સારસા, ભૂમેલ, કણજરી જેવા ગામોમાંથી લોકો વાહનો લઈ અભ્યાસ અને નોકરી-ધંધા અર્થે આણંદ મથકે આવતા હોય છે. 

ત્યારે બસ સ્ટેન્ડમાં પોતાના વાહન પાર્ક કરી અને ત્યાંથી નજીકના અંતરમાં કોલેજ, સ્કુલોમાં તથા નોકરીના સ્થળે મોટી સંખ્યામાં લોકો જાય છે. ત્યારે બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગણી ઉઠી છે. છેલ્લા પંદર દિવસથી ઘણાં બધા વ્હીકલો બસ સ્ટેન્ડમાં પાર્ક કરી અને અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓના ટુવ્હીલર ચોરાયાના બનાવો વધ્યા છે. 

આ અંગે વિદ્યાર્થીઓ આણંદ પોલીસ મથકે ફરિયાદ અર્થે જાય તો પોલીસ દ્વારા પણ તેમની સાથે આરોપી હોય તેવો વ્યવહાર કરાતો હોવાના આક્ષેપ કરાયો છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ વાહન ચોરીની ફરિયાદ કરવા જવાનું પણ ટાળે છે. આ અંગે સત્વરે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગના લોકો દ્વારા કરવામાં આવી છે.