અરાલ ગામમાં પછાત વર્ગને ખેડવા આપેલી જમીન ખાલસા કરવા માંગ

- અન્ય લોકોને જમીન વેચાણ બાનાખત કરી આપી હોવાનો આક્ષેપ
- જમીનમાં ખનન પ્રવૃત્તિ થતી હોવાની રજૂઆત સાથે કલેક્ટરને ગ્રામજનોએ આવેદન આપ્યું
નડિયાદ : કઠલાલના અરાલ ગામે ગ્રામ પંચાયત હસ્તકની જમીન સરકારે પછાત વર્ગના લોકોને ખેડવા માટે આપી હતી. આ લોકોએ શરતોનો ભંગ કરી અન્ય લોકોને જમીન વેચાણ બાનાખતથી વેચાણે આપેલી છે અને જમીનમાં માટી ખનન પ્રવૃત્તિ થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે મામલે જમીન ખાલસા કરવા માટે કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
અરાલ ગામના ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અરાલ ગામની સીમમાં આવેલા ઢોર ચારણ નીમ કરેલી જમીન કોતર સુધારા હેઠળ નવસાધ્ય કરવા જંગલ ખાતાના શરતોને આધીન તબદિલ કરવામાં આવી હતી. આ જમીનનો કબજો ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યો હતો. જે પૈકીની એકર - ૨૩- ૦૦ ગુંઠા જમીન પછાત વર્ગના લોકોને શરતોને આધીન ખેડવા માટે આપી હતી. આ જમીન પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય ગીરો બક્ષિસ કે તબદિલ કરી શકાશે નહીં કે અન્ય લોકોને ખેડવા આપી શકાશે નહીં, તેમજ સતત બે વર્ષ સુધી પડતર રાખવામાં આવશે તો આ જમીન ખાલસા કરવાને પાત્ર ઠરશે અને સરકારી પડતર દાખલ કરવામાં આવશે તેવી શરત રાખવામાં આવી હતી.
આવેદન મુજબ, આ લોકોએ જમીનમાં વાવેતર ના કરી ખેડવા માટે આપેલી જમીન ખેતીલાયક બનાવી ન હતી. તેમજ કેટલાક શખ્સોએ પોતાને મળેલી જમીન અન્ય શખ્સોને રજિસ્ટર વેચાણ બાનાખત કરી વેચાણે આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. મામલતદારે તા.૧-૭-૨૫ના રોજ કલેક્ટર કચેરીને શરત ભંગ કરવાની દરખાસ્ત મોકલી આપી છે. જેની સામે સામા વાળાઓએ નાયબ કલેક્ટર કપડવંજની કોર્ટમાં આરટીએસ અપીલો કરી હતી. જ્યારે નાયબ કલેકટર, કપડવંજે તા.૯-૭-૨૫થી અપીલો કમી કરવા હુકમ કર્યો છે. જ્યારે સામાવાળાઓ સરકારની પરવાનગી કે કલેક્ટરને મંજૂરી વગર જમીનમાં માટી ખનન કરી રહ્યા છે, તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા શખ્સોને રજૂઆત કરતા આ જમીન અમારા બાપ દાદાની છે તમારાથી થાય તે કરી લેજો અને અમને અટકાવશો તો એટ્રોસિટીની ફરિયાદ કરી જેલ હવાલે કરાવીશું તેવી ધમકી આપી રહ્યાનો આક્ષેપ કર્યો છે. જેથી આ લોકોને પંચાયતની ફાળવેલ જમીન અન્ય શખ્સોને વેચાણ તબદિલ કરતા તેમજ માટી ખનનની પ્રવૃત્તિ કરતા અટકાવવા કાર્યવાહી કરવા માગણી કરી છે.

