સુરત શિક્ષણ સમિતિની શાળામાં ગણિત-વિજ્ઞાન મેળો બીજા સત્રમાં યોજવા વિવિધ સંઘની માંગણી
Surat Education Committee : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યની સરકારી શાળામાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26નું આયોજન સપ્ટેમ્બર મહિનામાં કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, છેલ્લા બે મહિના સુરતની સરકારી શાળામાં ઉત્સવ, રજાઓ અને શિક્ષકોની તાલીમથી ભરપુર રહ્યાં છે તેના કારણે ગણિત વિજ્ઞાન મેળાની કૃતિ માટે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે સમય નથી રહ્યો તેથી શિક્ષક સંઘ દ્વારા ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન દિવાળી વેકેશન બાદ કરવા માંગણી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી અને ઈતર પ્રવૃત્તિ વધુ થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થતાની સાથે જ પ્રવેશોત્સવ, ગણેશોત્સવ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, સમગ્ર શિક્ષા અભિયાન કામગીરી, દર શનિવારે બેગ લેસ ડે, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 6 દિવસની તાલીમ, શિષ્યવૃત્તિની કામગીરી, ગણેશોત્સવ, ઉપરાંત હાલમાં 29 સપ્ટેમ્બર સુધી શિક્ષકોની તાલીમ ચાલુ છે અને તેમાં પણ ત્રિમાસિક પરીક્ષા પણ થઈ રહી છે. આવામાં વરસાદી વાતાવરણ છે તેથી સપ્ટેમ્બર મહિનામાં ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન શક્ય નથી.
આવી સ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી છે કે ઉપરોક્ત પ્રવૃત્તિ તથા આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે તેનું પણ આયોજન થશે જેના કારણે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગણિત-વિજ્ઞાન શિક્ષકોને વિજ્ઞાન પ્રદર્શન માટે કૃતિ બનાવવા માટે અને બાળકોને તૈયારી માટે પણ સમય ઓછો પડે તેમ છે તેથી વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બીજા સત્રમાં યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.