પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ
વડોદરાઃ ધો.૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવા માટેની માગ ઉગ્ર બની રહી છે.
કોમર્સ ફેકલ્ટીએ તો એફવાયની તમામ બેઠકો ભરાઈ ગઈ છે તેવું કારણ આપીને જીકાસ પોર્ટલ પર એડમિશનનો વિકલ્પ જ દર્શાવ્યો નથી ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના પૂર્વ સેનેટ સભ્યોએ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને મળીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
કોંગ્રેસે કહ્યું હતું કે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને બીકોમમાં પ્રવેશ આપવામાં આવે.જગ્યા નથી તેવી દલીલ જુઠ્ઠાણું છે.કારણકે ભૂતકાળમાં ૮૦૦૦ વિદ્યાર્થીઓને પણ એફવાયબીકોમમાં પ્રવેશ આપવામાં આવેલો છે. કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળવાના કારણે સેંકડો વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વધારે ફી ભરીને ભણવાનો વારો આવશે.