Gujarat

નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ

By GS TEAM
31 Dec 20252 mins read
નડિયાદ રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે માંગ

- 8 જેટલી એક્સપ્રેસ ટ્રેનનું સ્પોપેજ નહીં હોવાથી હાલાકી

- રેલવે મંત્રાલય સહિતના ઉચ્ચ અધિકારીઓને લોકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. જે પૈકી ૮ જેટલી એક્સપ્રેસ ટ્રેનોનું નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. આ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા નાગરિકો દ્વારા રેલવે તંત્ર અને સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

નડિયાદ શહેર ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. નડિયાદમાં જિલ્લાની કચેરીઓ, સુપ્રસિદ્ધ સંતરામ મંદિર, સંતરામ નેત્ર ચિકિત્સાલય, સરદાર પટેલનું જન્મ સ્થળ, હોસ્પિટલો તેમજ કોલેજો આવેલો છે. જેથી સમગ્ર લોકોની ભારે અવરજવર રહે છે. ત્યારે નડિયાદ રેલવે સ્ટેશન ઉપરથી અમદાવાદ, વડોદરા, મુંબઈ સહિતની લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો પસાર થાય છે. પરંતુ નડિયાદ સ્ટેશન પરથી પસાર થતી લાંબા અંતરની ૮ જેટલી એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવેલ નથી. જેથી આ એક્સપ્રેસ ટ્રેનો ખેડા જિલ્લાની પ્રજા માટે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ છે. જેથી આઠ જેટલી એક્સપ્રેસ ટ્રેનોનું નડિયાદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા ખેડા જિલ્લાના મુસાફરા દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જે માટે કેન્દ્રીય રેલવે મંત્રી, રેલવે બોર્ડના અધ્યક્ષ અને વેસ્ટર્ન રેલવેના ચીફ જનરલ મેનેજર (ચર્ચગેટ, મુંબઈ) સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

નીચેની ટ્રેનોનું સ્ટોપેજ આપવા માગણી 

(૧) ગાંધીધામ - હાવડા ગરબા એક્સપ્રેસ

(૨) ગાંધીધામ - કામખ્યા એક્સપ્રેસ

(૩) ગાંધીનગર - વારાણસી એક્સપ્રેસ

(૪) ઓખા - વારાણસી એક્સપ્રેસ

(૫) બાંદ્રા - મહુઆ એક્સપ્રેસ

(૬) મહુઆ - બાંદ્રા ટમનલ એક્સપ્રેસ

(૭) રાજકોટ - મહેબૂબનગર એક્સપ્રેસ

(૮) અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ