પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ
ડુંગરવાંટ-કદવાલ માર્ગ પર વાહન ચાલકોને અકસ્માતનો ભય
પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં તાત્કાલિક સમારકામની માગ

પાવીજેતપુર તા. ૩૦
પાવીજેતપુર પંથકમાં આવેલા સુખી ડેમની પાળીનું વ્યાપક ધોવાણ થતાં ડુંગરવાંટથી કદવાલ તરફના મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ચાલુ વર્ષે પંથકમાં સારો વરસાદ થતાં ડેમ છલોછલ ભરાયેલો છે.પાણીના સતત પ્રવાહ અને ધસારાથી ડેમની સંરક્ષક પાળી સતત ધોવાઈ થતાં ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ડુંગરવાંટથી કદવાલ તરફ જતા ગ્રામ્ય માર્ગની બરાબર બાજુમાં જ સુખી ડેમની પાળી આવેલી છે.વરસાદી પાણીના ધસારાને લીધે પાળીનો મોટો હિસ્સો ધોવાઈ પાયો નબળો પડી રહ્યો છે.જો વધુ ધોવાણ થાય અને આ પાળીનો જર્જરિત હિસ્તો માર્ગ પર તૂટતા અકસ્માત સર્જાઇ શકે છે.આ માર્ગ પરથી દિવસ-રાત અનેક વાહનો પસાર થતા હોવાથી અંધારામાં કે વરસાદ દરમિયાન વાહન ચાલક પાળી સાથે અથડાયતો રોડની બાજુમાં પાણીના ધોવાણથી નબળી થઈ ગયેલી પાળી તૂટી પડશે.આખું વાહન સીધું જ ડેમના ઊંડા અને છલોછલ પાણીમાં ખાબકી શકે તેવો ભય જનતાને સતાવી રહ્યો છે.સ્થાનિક જનતામાં વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે સુખી ડેમની ધોવાઈ ગયેલી પાળીનું મજબૂત સમારકામ કરે તેવી માંગ કરી છે.

