રામતિર્થ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં બિલ્ડર- કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા માંગ
અયોગ્ય રીતે ડિમોલીશન કરાતા બાજુના બંગલાઓને નુક્સાન થયું હતું
લો-લાઇઝ એપાર્ટમેન્ટનો 2014થી મિલકત વેરો બાકી હોવા છતા ડિમોલીશન કેવી રીતે કરાયું ? તેની તપાસ કરવા રજૂઆત
સુરત,
સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણનું લો રાઈઝ એપાર્ટમેન્ટનું આડેધડ ડિમોલીશન કરાતા દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ બંગલાને નુકસાન થયું હતું. આ બિલ્ડીંગનો 2014થી મિલ્કત વેરો બાકી છે તેમ છતાં ડિમોલીશનની કામગીરી પાલિકાએ કેવી રીતે કરવા દીધી? ઉપરાંત સલામતીનું ધ્યાન રાખ્યા વિના ડિમોલીશન કરવાની જોખમી કામગીરી સામે બિલ્ડર અને ડિમોલીશન કરનાર કોન્ટ્રાક્ટર સામે ફોજદારી નોધાવવા માટે સ્થાનિક કોર્પોરેટરે મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે.
દિવાળીની રજાનો ગેરલાભ ઉઠાવીને ભાજપના માજી મહિલા કોર્પોરેટરના બિલ્ડર પતિએ અડાજણના રામ તિર્થ એપાર્ટમેન્ટનું જોખમી ડિમોલીશન કર્યું હતું.ે ઉપરના બદલે નીચેથી ડિમોલીશન કરવાની કામગીરી કરાતા ત્રણ માળનું બિલ્ડીગ બાજુના ત્રણ બંગલા પર તુટી પડતા ત્રણ બંગલાને નુકસાન થયું હતું. જોખમી રીતે ડિમોલીશન કરનાવનારા ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પતિ હસમુખ પટેલ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા માટે સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલાએ માગ કરી છે.
તેઓએ મ્યુનિ. કમિશ્નરને એક પત્ર લખ્યો છે તેમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવા ઉપરાંત ડિમોલીશન કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ પણ લેવામાં આવ્યું નથી તેમ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલિકાના અધિકારીઓએ બિલ્ડીંગ તોડવાની મંજુરી આપવા પહેલાં સ્થિતિની ચકાસણી કરી નથી. આ બિલ્ડીંગનું ૨૦૧૪થી મિલ્કત વેરા બાકી છે તો ડિમોલીશનની મંજુરી કેવી રીતે આપવામા ંઆવી તે મુદ્દે તપાસ કરીને કસુરવારો સામે પગલાં ભરવા માગણી કરી છે. ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સામે ફોજદારી કરવા માટેની માગણી કરવામાં આવી છે.