રાજકોટથી હરિદ્વારની સીધી ટ્રેન સેવાની માગણી ટેકનિકલ કારણોસર અટવાઈ
DRUCCની બેઠકમાં તમામ સભ્યોની એકી અવાજે રજૂઆત : સૌરાષ્ટ્ર મેલનો સમય બદલવા રેલવે તંત્ર તૈયાર નથી
રાજકોટ, : રાજકોટ અને સૌરાષ્ટ્રનાં રેલવેનાં વર્ષો જુના પ્રશ્નોની વારંવાર રેલવે સતાધિશો સમક્ષ રજુઆતો કરવામાં આવતી હોવા છતાં ઉકેલાતા નથી. આજે રાજકોટ રેલવે ડિવિઝનની ડીઆરયુસીસીની આજે મળેલી બેઠકમાં તમામ સભ્યોએ એક અવાજે રાજકોટથી હરિદ્વારની સીધી ટ્રેન સેવા આપવા રજુઆતો કરી હતી પરંતુ બેઠકમાં થયેલી ચર્ચામાં એવુ સામે આવ્યુ છે કે દાયકાઓ જુની આ માગણી ટેકનિકલ કારણોસર અટવાઈ છે જયાં સુધી એ ઉકેલાય નહિ ત્યાં સુધી હરિદ્વારની સીધી ટ્રેન મળી શકે તેવી શકયતા ઓછી છે.
ડીઆરએમની હાજરીમાં મળેલી રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમિટીની બેઠક આજે સવારે મળી હતી. એકાદ કલાક ચાલેલી આ બેઠકમાં જુના જ પ્રશ્નો ફરી રજુ કરવામાં આવ્યા હતા તેમાં મુખ્ય રજુઆત સૌરાષ્ટ્રને બીજી હરિદ્વારની ટ્રેન આપવાની હતી. સ્થાનિક અધિકારીઓએ વધુ એક વખત સભ્યોની રજુઆતને ઉપર મોકલવા ખાત્રી આપી હતી પરંતુ કેટલાક સભ્યોએ જણાંવ્યુ હતું કે રાજકોટથી હરિદ્વાર વચ્ચેની રેલ લાઈનમાં ક્ષમતા કરતા વધુ ટ્રેનો હાલ દોડી રહી છે. રાજકોટ - સુરેન્દ્રનગર સહિત ચાર - પાંચ સેકશનમાં ડબલીંગનું કામ ચાલી રહયું છે જયાં સુધી ટેકનિકલ સમસ્યા ઉકેલાશે નહિ ત્યાં સુધી હરિદ્વારની ટ્રેનની સંભાવના ઓછી છે. જો કે રેલવે ઓથોરીટી ધારે તો થઈ શકે તેવો મત પણ કેટલાક સભ્યોએ વ્યકત કયો હતો.
સૌરાષ્ટ્ર મેલનો સમય બદલવાની માગણી ફરી એક વાર કરવામાં આવી હતી. રાજકોટથી મુંબઈ જવા માટે બપોર બાદ અર્ધો - પોણો કલાકનાં અંતરે એક સાથે બે ટ્રેન દોડી રહી છે. સૌરાષ્ટ્ર મેલને ફરી તેના જુના સમયે દોડાવવા રજુઆત કરાઈ હતી. મેલનો સમય જ બદલવામાં આવ્યો છે તે મૂદો પણ ચર્ચામાં ઉખળ્યો હતો. ઈલેકટ્રીફિકેશનનું કામ, સ્ટેશન પર લીફટ બંધ હોવા સહિતનાં કેટલાક લોકલ પ્રશ્નોની રજુઆતો ડીઆરએમ સમક્ષ કરવામાં આવી હતી. ડિવિઝનની રેલવે સલાહકાર સમિતિને કોવિડને કારણે વધુ એક વર્ષ લંબાવવામાં આવે તેવી શકયતા છે.