નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ
- મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાઈ
- મનપા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલમાંથી કરન્ટ ફેન્સિંગમાં ઉતરતા અડવાથી મૃત્યુનો વીજ કંપનીનો અભિપ્રાય
નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર ગત તા.૧૪/૬/૨૫ને શનિવારે વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. દરમિયાન પીજ રોડ, વૈકુંઠ સોસાયટી પાસે ગોહિલ ફળિયામાં રહેતા દિપક ઉર્ફે લાલો કાંતિભાઈ ગોહિલ (ઉં.વ.૩૬) રેલવે સ્ટેશન સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે જૂની જેલની ખુલ્લી જગ્યા ફરતે લગાવેલી તાર ફેન્સિંગને સ્પર્શ કરતાં તેમાં ઉતરેલા વીજ કરંટ લાગતા યુવક આખા શરીરે ગંભીર રીતે દાજી જતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
વીજ કરંટને લીધે મૃત્યુ પામેલા દિપક ઉર્ફે લાલો કાંતિભાઈ ગોહિલના વારસદારને વીજ કંપનીના નિયમાનુસાર મળવાપાત્ર વળતર ચૂકવવા અગાઉ તા.૧૮/૬/૨૫ના રોજ અધિક્ષક ઇજનેર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદને રજૂઆત કરી હતી. જે સંદર્ભે નડિયાદ મનપા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલમાંથી કરન્ટ પસાર થતા ફેન્સિંગને અડતા મૃત્યુ થયાનું એમજીવીસીએલે અભિપ્રાય આપ્યો છે. ત્યારે ગરીબ પરિવારના આશાસ્પદ યુવાન વારસદારને નિયમાનુસાર મળવાપાત્ર વળતર ચૂકવવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.