Get The App

ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો સામે ગ્રાહક કોર્ટમાં ૧૬.૬૧ કરોડના વળતરની માંગણી

૧૨ માસુમ વિદ્યાર્થી અને બે શિક્ષકે જીવ ગુમાવ્યો હતો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો સામે ગ્રાહક કોર્ટમાં ૧૬.૬૧ કરોડના વળતરની માંગણી 1 - image

વડોદરા : વડોદરાના હરણી મોટનાથ તળાવમાં બોટ પલટી જવાની કરૃણ ઘટનામાં પોતાના વહાલસોયા સંતાનો ગુમાવનારા ૧૧ વાલીઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કાયદાકીય જંગ છેડયો છે. વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ થયેલી આ ફરિયાદમાં શાળાના ટ્રસ્ટીઓ, મેનેજર અને પ્રિન્સિપાલને સામાવાળા તરીકે જોડી, સેવામાં ગંભીર બેદરકારી બદલ કુલ  ૧૬,૬૧,૦૦,૦૦૦ ના વળતરની માગણી કરવામાં આવી છે.

ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શાળાએ પિકનિકના નામે બાળકોને મોતનાં મુખમાં ધકેલી દીધા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળાએ પ્રવાસ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે શિક્ષકોનું સુપરવિઝન રાખ્યું ન હતું.દાવો રજૂ કરતા જણાવાયું છે કે, શાળાએ પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી રૃ. ૭૫૦ ઉઘરાવ્યા હોવા છતાં તેની કોઈ પહોંચ આપી ન હતી, જે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ અયોગ્ય વ્યાપારી પ્રથા  છે.

વધુમાં, બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવા, લાઈફ જેકેટ ન પહેરાવવા અને ટ્રેઈન્ડ સ્ટાફની ગેરહાજરી જેવી ગંભીર ક્ષતિઓને કારણે આ દુર્ઘટના ઘટી હતી. દરેક વાલીએ પોતાના બાળકના કિંમતી જીવનની ક્ષતિ બદલ રૃા. ૧ કરોડ, માનસિક યાતના અને આઘાત પેટે રૃા. ૫૦ લાખ તેમજ કાયદાકીય ખર્ચ પેટે રૃા. ૧ લાખ મળીને કુલ રૃ. ૧.૫૧ કરોડની માગણી કરી છે. આમ, ૧૧ મૃતક બાળકોના વાલીઓએ ભેગા મળીને આ દાવો કરતા તેની કુલ રકમ રૃા.૧૬.૬૧ કરોડ થાય છે.

નિયમોનું ઉલ્લંઘન કરતા સ્કુલને ૧૦ હજારનો દંડ કરાયો હતો

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ આ પિકનિકનું આયોજન કર્યું હતું. કાયદા મુજબ શાળા દ્વારા પ્રવાસ માટે લેખિત પરવાનગી લેવી અનિવાર્ય છે. આ ગંભીર બેદરકારી બદલ ડીઇઓ કચેરીએ અગાઉ શાળાને રૃ. ૧૦,૦૦૦નો દંડ પણ કર્યો હતો. ફરિયાદીઓએ રજૂઆત કરી છે કે શાળાએ નફાખોરીના હેતુથી બાળકોની સુરક્ષાના તમામ માપદંડો નેવે મૂકી દીધા હતા, જેને કારણે ૧૧ પરિવારોએ તેમના ચિરાગ ગુમાવ્યા છે.

ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરનારા વાલીના નામ

મોહમ્મદ ઉમર કોઠારી

સુબેદાર મોહમ્મદ યુનુસ

માછી રાહુલકુમાર વિઠ્ઠલભાઈ

ગાંધી મોહમ્મદ અનીસ અબ્દુલ રઝાક

શાહ પ્રતીક ઇન્દ્રવદન

મન્સૂરી મોહમ્મદ અલ્તાફ ગુલામમયુદ્દીન

ખલીફા મોહમ્મદ હારુન શરાફત અલી

નિઝામા કલ્પેશ મનુભાઈ

પંકજ રામદાસ શિંદે

શેખ મોહમ્મદ માહિર ગુલામરસુલભાઈ

શેખ શૌકત અબ્દુલ રશીદ