EPFના બુઝુર્ગ કર્મીઓને પુરતું પેન્શન આપવા માંગ
મોંઘવારીના સમયમાં જીવન જીવવું મુશ્કેલ : કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાત નિવૃત્ત એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રાષ્ટ્રપતિને આવેદન
જૂનાગઢ, : ઈપીએફના કર્મચારીઓને પુરતું પેન્શન આપવાની માંગ સાથે કચ્છ-કાઠીયાવાડ અને ગુજરાત નિવૃત એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ભવિષ્ય નીધિ કચેરી જૂનાગઢ મારફત રાષ્ટ્રપતિને આવેદન આપવામાં આવ્યું હતું.
EPF- 95 આધારીત યોજના હેઠળ 65 લાખ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. વર્ષોથી નજીવું પેન્શન મળતું હોવાથી હાલના મોંઘવારીના સમયમાં વયોવૃધ્ધ કર્મચારીઓને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારી અને લઘુત્તમ પેન્શનની મર્યાદા વધારાનો કેન્દ્ર સરકાર દ્વારા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેની અમલવારી લાગુ કરવામાં આવી નથી. ઈપીએફ વિભાગના અધિકારીઓ નિવૃત કર્મચારીઓના જીવનભરની કમાઈના અબજો રૂપીયા જમા હોવા છતાં યેનકેન પ્રકારે પુરતું પેન્શન ન મળે તેવી રીતે પ્રશ્નને ટલ્લે ચડાવતા રહે છે. હવે બુઝર્ગ કર્મચારીઓની ધીરજની હદ પુરી થઈ છે. આ મહત્વના પ્રશ્ને સરકાર દ્વારા નિવૃત કર્મચારીઓના હિતમાં ન્યાયીક રસ્તો કાઢવામાં આવે તેવી માંગ કરી છે.