હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર 'સાંસદ લોકસભા'નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ
Amreli News: અમરેલી લેટરકાંડ બાદ નારણ કાછડિયા ફરી એકવાર વિવાદમં આવ્યા છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયા પોતે હોદ્દા પર ન હોવા છતાં પોતાની ખાનગી ગાડીઓમાં સાંસદ લખેલી નંબર પ્લેટ લગાવીને ફરે છે. જેને લઈને નાથાલાલ સુખડિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 'મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘન પર તેમની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો હું ઉપવાસ પર ઉતરી તેનો વિરોધ કરીશ.'
આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું
સામાન્ય માણસને દંડતી પોલીસ નારણ કાછડિયા સામે મૌન?
નારણ કાછડિયાનો વિરોધ વ્યક્ત કરતાં નાથાલાલ સુખડિયાએ જણાવ્યું કે, જ્યારે સામાન્ય માણસ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરે છે, ત્યારે ટ્રાફિક અને પોલીસ વિભાગ મોટો દંડ કરે છે. બીજી બાજું એક વર્ષ ઉપર થઈ ગયું તેમ છતાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાની બંને ગાડીમાં સાંસદની નેમ પ્લેટ હટાવવામાં નથી આવી. આ બાબતે છેલ્લાં 6-8 મહિનાથી વિરોધ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યાં.
આ પણ વાંચોઃ જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી
આંદોલનની આપી ચીમકી
સામાન્ય નાગરિકનું ઉદાહરણ આપીને વધુમાં તેમણે કહ્યું કે, જો સામાન્ય માણસ પોતાની ગાડીમાં PI કે PSI લખીને નીકળે તો તેને નકલી PI કરીને જેલના હવાલે કરી દેવામાં આવે છે. તો આ સાંસદ પર મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘનની કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? મેં આજે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે, સાત દિવસની અંદર આ નકલી સાંસદ સામે યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે. તેની ગાડી ડિટેઇન કરો, જે દંડ થતો હોય તે દંડ કરો. જો તેની સામે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો હું ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરી તેનો સખત વિરોધ નોંધાવીશ.