Gujarat

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ

By GS TEAM
8 Feb 20261 min read
અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ

વડોદરાઃ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઓનલાઇન શોપિંગના પાર્સલમાંથી કિંમતી સાધનો ચોરી લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ વડોદરામાં પણ એમેઝોનના પાર્સલમાંથી ચોરીનો બનાવ બનતાં ગુનો નોંધાયો છે.

સુભાનપુરાની સહકાર સોસાયટીમાં રહેતા અને ગ્રાફિક્સના કામની સાથે સાથે એમેઝોનનો ડિલિવરી સ્ટોર ધરાવતા અશોક પરમારે પોલીસને કહ્યું છે કે,અમારી ઓફિસેથી રોજ ડિલિવરી બોય આવીને પાર્સલ લઇ જતો હોય છે.

ગઇ તા.૨જીએ એમેઝોન કંપનીના અધિકારી આવ્યા હતા અને તેમણે ડિલિવરી બોય મનોજ સોલંકીએ ત્રણ પાર્સલની ડિલિવરી નહિ કરી હોવાનું કહ્યું હતું.જેથી આ ઓર્ડરના બોક્સ ખોલીને તપાસ કરતાં અંદરથી એરપોડ્સ અને બે આઇફોનને બદલે ડમી મોબાઇલ મળી આવ્યા હતા.

ડિલિવરી બોયનો સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવતો હતો.જેથી ડિલિવરી બોયે મૂળ સાધનો કાઢીને ડૂપ્લિકેટ સાધનો મૂકી છેતરપિંડી કરી હોવાનું જણાઇ આવતાં પોલીસને જાણ કરી હતી.લક્ષ્મીપુરા પોલીસેમનોજ સોલંકી(એફસીઆઇ ગોડાઉન પાછળ,ઝાલોર,રાજસ્થાન)ની અટકાયતકરી હોવાનું જાણવા મળ્યું છે.