Gujarat

૩૯૦ કરોડની વસુલાતના દાવામાં કેટલી સ્ટેમ્પ ડયુટી થશે તેનો નિર્ણય દિલ્હી કલેક્ટર કરશે

By GS TEAM
10 Feb 20263 mins read
૩૯૦ કરોડની વસુલાતના દાવામાં કેટલી સ્ટેમ્પ ડયુટી થશે તેનો નિર્ણય દિલ્હી કલેક્ટર કરશે

વડોદરા : વડોદરા કોમશયલ કોર્ટમાં ગેઇલ (ઇન્ડિયા) લીમીટેડ અને ગુજરાત સ્ટેટ ફટલાઇઝર એન્ડ કેમિકલ લીમીટેડ (જીએસએફસી) વચ્ચે ચાલી રહેલા રૃા.૩૯૦ કરોડથી વધુના આબટ્રલ એવોર્ડના અમલ મામલે મહત્વનો ચુકાદો આવ્યો છે. ગેઇલએ જીએસએફસી પાસેથી આ રકમ વસૂલવા માટે અરજી કરી હતી. પરંતુ જીએસએફસીએ વાંધો ઉઠાવ્યો હતો કે એવોર્ડ પર પુરતી સ્ટેમ્પ ડયુટી ચૂકવી નથી એટલે બન્ને વચ્ચે કરાર દિલ્હીમાં થયો હોઇ ન્યાયાધીશે એવોર્ડ દિલ્હી કલેક્ટરને મોકલી આપી તા.૧૭ ફેબુ્રઆરીના રોજ ગેઇલના અધિકારીને દિલ્હી કલેક્ટર સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો.

સમગ્ર કેસની વિગત એવી છે કે, ગેઇલ (ઇન્ડિયા) લીમીટેડ અને ગુજરાત સ્ટેટ ફટલાઇઝર એન્ડ કેમિકલ લીમીટેડ (જીએસએફસી) થયેલા વ્યાપારના સંદર્ભમાં ગેઇલ (ઇન્ડિયા)ને જીએસએફસી પાસેથી ૩૯૦ કરોડ લેવાના નિકળતા છે. આ અંગે અગાઉ પમ કાનુની લડત થઇ હતી અને સમગ્ર મામલો આર્બિટ્રેશન પાસે પહોંચ્યો હતો. લવાદીએ તા.૨૯ જુલાઇ ૨૦૨૩ના રોજ ગેઇલના પક્ષમાં આપ્યો હતો. જો કે, ત્યાર બાદ પણ નાણાં ચૂકવવામાં ન આવતા નાણાંની વસુલાત માટે વડોદરાની કોમર્શીયલ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.

સુનાવણીમાં જીએસએફસીએ દલીલ કરી કે એવોર્ડ ન્યૂ દિલ્હીમાં સાઇન થયો હોવાથી દિલ્હી સ્ટેમ્પ કાયદો લાગુ પડે છે અને ૦.૧ ટકા સ્ટેમ્પ શુલ્ક ચૂકવવું પડે. જ્યારે ગેઇલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત સ્ટેમ્પ કાયદા મુજબ સ્ટેમ્પના રૃા.૩૦૦ રૃપિયા ચૂકવ્યા છે.જો કે, કોર્ટે નોંધ્યું હતું કે, એવોર્ડ ન્યૂ દિલ્હીમાં સાઇન થયો હોવાથી દિલ્હી સ્ટેમ્પ કાયદો લાગુ પડે છે અને ગેઇલએ ચૂકવેલું સ્ટેમ્પ શુલ્ક અપૂરતું છે. ૩૯૦ કરોડના દાવા પર  ૦.૧ ટકા શુલ્ક ભરવું પડે, જ્યારે ગેઇલએ માત્ર ૩૦૦ રૃપિયા જ ભર્યા છે.

કોર્ટએ આ પ્રકરણમાં હવે સ્ટેમ્પ ડયુટી અંગેનો નિર્ણય લેવાનું દિલ્હી કલેક્ટરને જણાવ્યું છે અને સમગ્ર એવોર્ડને કલેક્ટર, ન્યૂ દિલ્હી પાસે મોકલવાનો આદેશ આપ્યો છે. કલેક્ટર યોગ્ય સ્ટેમ્પ શુલ્ક અને દંડ નક્કી કરશે. ગેઇલના અધિકારીને ૧૭ ફેબુ્રઆરીએ દિલ્હી ે કલેક્ટર સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એવોર્ડ ફરી વડોદરા કોર્ટમાં પાછો આવશે અને અમલની કાર્યવાહી આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ગેઇલ (ઇન્ડિયા) લીમીટેડને જીએસએફસી પાસેથી ૩૯૦ કરોડથી વધુની રકમ પર ૯ ટકા વ્યાજ સાથે વસૂલવાનો હક મળ્યો છે. કેસની વધુ સુનાવણી તા. ૨૭ ફેબુ્રઆરીના રોજ હાથ ધરાશે.

ગેઇલ ઇન્ડિયાએ લાખોની સ્ટેમ્પ ડયુટી ચૂકવવી પડશે

વડોદરાની કોરમર્શીયલ કોર્ટના આ ચુકાદા બાદ હવે ગેઇલ (ઇન્ડિયા) લીમીટેડના અધિકારી કલેક્ટર, ન્યૂ દિલ્હી સમક્ષ હાજર રહીને લોખની કિંમતની સ્ટેમ્પ ડયુટી અને જરૃરી દંડ ચૂકવવો પડશે.  કલેક્ટર આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એવોર્ડને વડોદરા કોર્ટમાં પાછો મોકલશે. ત્યારબાદ વડોદરા કોમશયલ કોર્ટમાં જ કેસની અમલ કાર્યવાહી આગળ વધશે અને ગેઇલને જીએસએફસી પાસેથી ૩૯૦ કરોડથી વધુની રકમ વસૂલવા માટે કાનૂની પગલાં ચાલુ રહેશે.હવે એ જોવાનું રહે છે કે, વડોદરા કોર્ટના આ આદેશ સામે હવે બન્ને પક્ષે આગળની શુ કાર્યવાહી કરવામાં આવે છે.