કોમર્સ ફેકલ્ટીમાં એફવાય અને એસવાયની માર્કશીટ હજી વિદ્યાર્થીઓને મળી નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના પરિણામો આ વર્ષે સમયસર આવી ગયા છે પરંતુ માર્કશીટના ધાંધિયા યથાવત છે.
આ વર્ષે ટીવાયમાં અભ્યાસ કરી રહેલા ૭૦૦૦ વિદ્યાર્થીઓને હજી સુધી એફવાયની અને એસવાયની માર્કશીટ મળી જ નથી.જ્યારે અન્ય ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ થઈ ગયું છે.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે દરેક સેમેસ્ટર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાનું ચાલું કરાયું છે.આમ વિદ્યાર્થીને વર્ષમાં બે માર્કશીટ આપવાની થાય છે.જેને ધ્યાનમાં લેવામાં આવે તો કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની ૧૪૦૦૦ અને એસવાયની ૧૪૦૦૦ માર્કશીટોનું વિતરણ કરવાનું બાકી છે.
સૂત્રોનું કહેવું છે કે, માર્કશીટના પ્રિન્ટિંગમાં થયેલા વિલંબ બાદ જોકે તાજેતરમાં જ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની માર્કશીટો પહોંચાડી દેવામાં આવી છે.ફેકલ્ટી સત્તાધીશો૨૦૨૩-૨૪માં એફવાયમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ તા.૪ જુલાઈથી દરેક યુનિટ પરથી કરવાના છે.
જોકે ૨૦૨૪-૨૫માં લેવાયેલી એસવાય પરીક્ષાની માર્કશીટોનું પ્રિન્ટિંગ હજી ચાલી રહ્યું છે.આમ આ માર્કશીટો માટે વિદ્યાર્થીઓને હજી રાહ જોવી પડશે. આમ બીકોમ ઓનર્સમાં અભ્યાસ કરી રહેલા ટીવાયના વિદ્યાર્થીઓએ હજી સુધી માર્કશીટની હાર્ડ કોપી જોઈ જ નથી.