Rabari Mahasammelan: આગામી 25મી જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ડીસા તાલુકાના સમશેરપુરા ગામમાં રબારી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. એમ.એમ. દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાનારા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી આશરે 50 હજારથી વધુ સમાજના લોકો એકત્રિત થાય તેવી શક્યતા છે.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય
આ મહાસંમેલન માત્ર એક મેળાવડો નહીં, પરંતુ સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું છે. જેમાં એક સમાજ, એક રિવાજ: સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણને વધુ મજબૂત બનાવવું. લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી અને દેખાદેખીના ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું. સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવી અને 'દરેક ઘરમાં એક સરકારી નોકરીયાત' હોય તેવા લક્ષ્ય સાથે યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા.
આંતરરાજ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં માત્ર બનાસકાંઠા, વાવ, થરાદ કે પાટણ જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનના રેવદર, સાચોર અને જાલોર વિસ્તારના રબારી સમાજના આગેવાનો અને ભાઈ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ મહાસંમેલનને સફળ બનાવવા માટે રબારી સમાજના પીઢ નેતા ગોવાભાઈ દેસાઈ અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અત્યારે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે અને સમાજના લોકોને આ સંમેલનમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છે.


