Get The App

કપડવંજમાં 'દીપમાલા એપાર્ટમેન્ટ' જર્જરિત હાલતમાં, તપાસના આદેશ

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
કપડવંજમાં 'દીપમાલા એપાર્ટમેન્ટ' જર્જરિત હાલતમાં, તપાસના આદેશ 1 - image

- કલેક્ટર લેખિત ફરિયાદ કરવામાં આવી હતી

- બી.યુ. પરમિશન, ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનો આક્ષેપ કરાયો 

કપડવંજ : કપડવંજ શહેરના નડિયાદ રોડ પર આવેલું અને રહેણાંક તેમજ કોમશયલ હેતુ માટે વપરાતું સાત માળનું 'દીપમાલા એપાર્ટમેન્ટ' જર્જરિત અવસ્થામાં હોવાથી બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સાથે અરજદાર દ્વારા ખેડા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી છે.

કપડવંજમાં રિલાયન્સ પેટ્રોલ પંપ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે આવેલું 'દીપમાલા એપાર્ટમેન્ટ' ૨૫ વર્ષથી ઉભું છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત સાત માળની આ ઈમારતના પાયાથી લઈને ઉપરના માળ સુધીનું બાંધકામ અત્યંત જર્જરિત થઈ ગયું હોવાના આક્ષેપ સાથે અરજદાર રાજેશભાઈ શાંતિલાલ પંચાલ દ્વારા ગત તા. ૨૨-૧૨-૨૫ના રોજ કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.

અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ, એપાર્ટમેન્ટની બાજુમાં ઉત્કર્ષ હોસ્પિટલ અને સામે નેશનલ હાઈવે પસાર થાય છે. જો બિલ્ડિંગ ધરાશાયી થાય તો મોટા પાયે જાનહાની થવાની સંભાવનાઓ છે. તેમજ આ બિલ્ડિંગના નકશા અને મંજૂરીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનો તેમજ તેની પાસે બી.યુ. પરમિશન ન હોવાનો આક્ષેપ કરાયો છે. સાત માળની ઇમારત હોવા છતાં અહીં ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી, તેવો આક્ષેપ કરાયો છે. 

આ રજૂઆતન ધ્યાને લઈને કલેક્ટર કચેરીના ઈમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગત તા. ૦૨-૦૧-૨૬ ના રોજ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત જાણ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક કક્ષાએ નિયમોનુસાર તપાસ કરી, આજુબાજુના લોકોના રિપોર્ટ લઈ જરૂરી કાર્યવાહી કરવા અને અરજદારને તે અંગે જાણ કરવા આદેશ અપાયો છે.