મુંબઈના સાજીદ અપહરણ કેસનો વોન્ટેડ નામચીન દીપક શર્મા વડોદરામાં ઝડપાયો
Vadodara Police : મુંબઈના બહુચર્ચિત સાજીદ અપહરણ કેસના વોન્ટેડ આરોપી દીપક નંદિકશોર શર્માની વડોદરાના બાપોદ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
મુંબઈના બહુચર્ચિત સાજીદ અપહરણ કેસમાં અત્યાર સુધીમાં 9ની ધરપકડ કરી હતી. આ ગુન્હામાં દશમાં આરોપી તરીકે દીપક નંદિકશોર શર્મા વોન્ટેડ હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે દીપક શર્મા તેની પત્ની સાથે ન્યૂ વી.આઈ.પી રોડ પર આવેલી મોતીપાર્ક ખાતે રહે છે. જેથી પોલીસની ટીમો દ્વારા ધરપકડ માટે ઓપરેશન હાથ ધરાયું હતું. દીપક શર્મા તેના ઘરે મળી આવ્યો હતો આ સાથે ઘરમાં તપાસ કરતા લોખંડના કબાટમાંથી દેશી બનાવટનો એક તમંચો અને જીવતા કારતુસ મળ્યા હતા.
દિપો જાડિયો ઉર્ફે દિપક નંદિકશોર શર્મા ગુનાઇત ઇતિહાસ ધરાવતો એક રીઢો છે. તેની વિરૂદ્ધ દહિસર ફાયરિંગ કેસ (મુંબઈ), સહિત 10 વધુ ગુનાઓ નોંધાયા છે. ચાર વર્ષ સુધી ફરાર રહ્યા બાદ થોડા દિવસ પહેલા જ દિપક વડોદરા આવ્યો હતો.