ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ બંધ કરાયો
- અંબાવ ગળતેશ્વર રોડ ઉપર
- કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ 1.56 લાખ ક્યુસેક થવાની શક્યતાથી સલામતી માટે નિર્ણય
ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી હાલ કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ ૬૭૨૦૭ ક્યુસેકથી વધી ૧,૫૬,૧૪૩ ક્યુસેક થવાની શક્યતા છે. ત્યારે મહી નદીમાં પાણી છોડવામાં આવતા ગળતેશ્વર મંદિર પાસે મહીસાગર નદીનું જળસ્તર ભયજનક હદે વધતા અકસ્માત થવાની સંભાવના રહેલી છે. ત્યારે ગળતેશ્વર મંદિર નજીક અંબાવ ગળતેશ્વર રોડ ઉપર મહીસાગર નદી ઉપરનો પુલ બંધ કરવા માર્ગ મકાન સ્ટેટ ડાકોરને ગળતેશ્વરના મામલતદારે સૂચના આપી છે.
મહીસાગર નદી પરનો આ પુલ ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો ધોરી માર્ગ છે. રસ્તા પરથી વડોદરા, ભરૂચ, પાવાગઢ, સુરત, મુંબઈ જવાનો ટૂંકો માર્ગ હોવાથી વાહનોની રાત- દિવસ અવર- જવર રહે છે. વડોદરા જિલ્લાના વરસડા, ડેસર સુધીના લોકો શાકભાજી- દૂધ વેચાણ કરવા આ માર્ગેથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામોમાં આવે છે. ડેસર તાલુકાના લોકો માટે મહીસાગર નદી ઉપરનો ડીપ પુલ જીવાદોરી સમાન છે.
સેવાલિયા મહીસાગર નદી ઉપરનો પુલ જર્જરિત હોવાથી તાજેતરમાં સદંતર બંધ કરાયો છે. જેના પરિણામે સેવાલિયા, બાલાસિનોર, લુણાવાડા, વિરપુર તાલુકાઓમાં જનારાઓને વડોદરા, પાવાગઢ તરફથી વાલાવાવ ચોકડીથી વરસડા થઈ ગળતેશ્વર મહીસાગર નદી ઉપરના પુલ ઉપરથી પસાર થઈ ખેડા જિલ્લાના સરનાલમાં જઈ શકાય છે. જે ટૂંકો રસ્તો ગળતેશ્વરથી અંબાવ ખાતે ડાકોર- ગોધરા ધોરી માર્ગને મળે છે. ત્યારે હવે પુલ બંધ કરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.