'કહીએ એમ કરવાનું, હું ધારાસભ્ય છું...' દેડિયાપાડામાં આપ MLA અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ
AAP MLA VS BJP President : નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે, અને આ મામલે ફરિયાદ નોંધાતા ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, AAPના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંકવામાં આવ્યા હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું છે. આ ઘટના પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલવામાં આવ્યા હતા.
![]() |
સંજય વસાવા,તા.પં.પ્રમુખ, દેડિયાપાડા (ડાબે) અને ચંપા બેન વસાવા, તા.પં.પ્રમુખ, સાગબારા (જમણે) |
જ્યારે સંજય વસાવા આ મામલે વચમાં પડ્યા, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને લાફા મારી દીધા હતા તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે. ધારાસભ્યએ મહિલા પ્રમુખને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે, "અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું, હું ધારાસભ્ય છું." આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.