વડોદરાના વઢવાણા તળાવ ખાતે શિયાળામાં વિહાર કરવા આવતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
Vadodara : વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકામાં આવેલા વઢવાણા તળાવ ખાતે આ વખતે શિયાળામાં વિહાર કરવા આવેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા 18 જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 29,189 પક્ષીઓ ચાલુ સિઝનમાં જોવા મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ આંકડો સૌથી ઓછો છે. વર્ષ 2022માં સૌથી વધુ 95000 પક્ષીઓ આવ્યા હતા. ગયા વર્ષે 2024 માં 54,171 પક્ષીઓ નોંધાયા હતા વર્ષ 2021 માં 64000 પક્ષીઓ એ અહીં વિહાર કર્યો હતો.
ગુજરાતમાં નળ સરોવર બાદ વઢવાણા તળાવ છે કે જ્યાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના પક્ષીઓ વિહાર કરવા આવે છે. સરહદ પારથી આવતા પક્ષીઓ અહીં શિયાળો પૂરો થાય અને ગરમી ચાલુ થાય ત્યારે પાછા વતન ભણી જાય છે. છેલ્લા ચાર વર્ષમાં પેલીકન પક્ષીઓ અહીં ઓછા જોવા મળ્યા છે. ફ્લેમિંગો અને ડોમોઈસેલ ક્રેન એટલે કે કુંજ પણ ઓછી જોવા મળી છે. 18 મી જાન્યુઆરીએ વન વિભાગના કર્મચારીઓ અને 85 સ્વયંસેવકોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવતા 147 પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા હતા. જેમાં ભગવી સુરખાબ, રાજહંસ, ગાજહંસ, લાલ ચાંચ કરચિયા, મત્સ્ય ભોજ, મોટી ટપકી વાળો ગરુડ, નકટો, લીલી પાંખવાળી ટીલ, નાની મુરઘાબી, લાલ માથાનો ગંદમ, સાપમાર વગેરેનો સમાવેશ થાય છે. વઢવાણા તળાવમાં પાણીનું લેવલ ખૂબ જ ઊંચું હોવાના કારણે પક્ષીઓનો વિહાર ઓછો જોવા મળ્યો છે. વઢવાણા તળાવ 10.38 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું સિંચાઈ તળાવ છે. જે સિંચાઈ વિભાગની હેઠળ છે. તળાવમાં પાણીનું લેવલ જાળવવાનું કામ સિંચાઈ વિભાગ કરે છે. વઢવાણા તળાવ નજીકના 25 ગામોને પાણી આપતું હોવાથી લેવલ જાળવી રાખવું પડે છે. જોકે વન વિભાગ દ્વારા શિયાળામાં યાયાવર પક્ષીઓના વિહારને અસર ન થાય તેને ધ્યાનમાં રાખીને પાણી અમુક સ્તર સુધી જાળવી રાખવા કહ્યું હતું.