વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી
મૃતદેહ એક મહિના જૂનો હોવાનો અંદાજ : ઓળખ માટે કાંઠા વિસ્તારના ગામોમાં તપાસ
વડોદરા,આજે સવારે સમા હરણી લિંક રોડ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી એક ડિકમ્પોઝ બોડી મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ડેડબોડી બહાર કાઢી હતી. સમા પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ સમા વિસ્તારમાંથી એક મહિલા ગૂમ થઇ હતી. જેની શોધખોળ કરતા પરિવારજનોને આજે સમા હરણી લિંક રોડ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં એક ડેડબોડી દેખાઇ હતી. જેથી, તેમણે સ્થાનિક કોર્પોેરેટરને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. કોર્પોરેટેરે ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફે ઘટના સ્થળે જઇ ડેડબોડી બહાર કાઢી સમા પોલીસને જાણ કરી હતી. ડેડબોડી એટલી હદે ડિકમ્પોઝ થઇ ગઇ હતી કે, તેની ઓળખ શક્ય નહતી. પોલીસે ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ડેડબોડી એક મહિનો જૂની હોવાનું અનુમાન પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. મરનાર અજાણ્યા પુરૃષની ઓળખ માટે સમા પોલીસે કાંઠા વિસ્તારમાં આવેલા ગામમાં ગૂમ થયેલા લોકોની વિગતો મંગાવી છે.