તિજોરીકી ચાવી દો,વરના સબકો માર ડાલેંગે પાટોદના ફાર્મહાઉસમાં લૂંટારૃઓ ત્રાટક્યા
સર્વન્ટ રૃમનો દરવાજો તોડી અંદર ઘૂસી પાળીયા અને ડંડાથી બંને ઇજા પહોંચાડી

પાદરા.તા.22 પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં કન્યાકુમારી ફાર્મહાઉસમાં ગઈ રાત્રે ત્રાટકેલા ૫ થી ૭ જેટલા બુકાનીધારી લૂંટારૃઓ સર્વન્ટ રૃમમાં ઊંઘતા પરિવારને ધમકી આપી હુમલો કરી રૃા.૮૨ હજારના દાગીના સહિતની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાં.
પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના કલાલી વિસ્તારમાં કાન્હા સોસાયટીમાં રહેતા સી.એસ. રાવના ફાર્મહાઉસમાં નોકરી કરતા મગનભાઇ પ્રવિણભાઇ ચૌહાણ (રહે. દરાપુરા) ગઇ રાત્રે પત્ની અને માતા, પિતા સાથે સર્વન્ટ રૃમમાં ઊંઘતા હતા. રાત્રિના આશરે અઢી વાગ્યે મોઢા પર બુકાની બાંધેલ ૫થી ૭ અજાણ્યા શખ્સોએ રૃમનો દરવાજો જોરથી ખોલી અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારૃઓ પૈકી એકના હાથમાં લોખંડનું પાળીયું અને બીજા પાસે લોખંડનો કોષ જેવા હથિયાર હતાં.
આ દરમિયાન જાગી ગયેલા મગનભાઈના પિતાને પાળીયાથી કપાળ પર ઇજા પહોંચાડવામાં આવી હતી, જ્યારે મગનભાઈ વચ્ચે પડતાં તેમને લાકડાના ડંડાથી હાથ પર માર મારવામાં આવ્યો હતો. લૂંટારૃઓએ હથિયારો વડે પરિવારને ધમકાવી તિજોરી કી ચાવી દો, વરના સબ કો માર ડાલેગે કહી ધમકાવી તિજોરીમાં મૂકેલ મુદ્દામાલ લૂંટી લીધો હતો.
લૂંટારૃઓએ રોકડ રૃા.૨૭ હજાર, સોનાની બુટ્ટી, ચાંદીનાં બે મંગળસુત્ર, ગળામાં પહેરેલું ચાંદીનું મંગળસુત્ર, બે મોબાઇલ મળી કુલ રૃા.૮૨ હજારની મત્તાની લૂંટ કરી હતી. લૂટારૃઓ પરિવારને ધમકાવી રૃમમાં જ બેસાડીને બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટયા હતા. અડધો કલાક બાદ પરિવાર બહાર આવી શબરી સ્કૂલના વોચમેન પાસે મદદ માગી હતી. ત્યારબાદ મગનભાઈના સગાએ ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. લૂંટના ગુનાની જાણ થતાં જ જિલ્લા પોલીસે લૂંટારૃઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

