સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પાસેની પે એન્ડ પાર્કની જગ્યામાં માન દરવાજા ફાયર સ્ટેશન ખસેડવાનો નિર્ણય
Surat Corporation : સુરતના રીંગરોડ માન દરવાજા ફાયર સ્ટેશન સહિત ટેનામેન્ટ રિડેવલપમેન્ટની કામગીરી માટે ફાયર સ્ટેશનને ફ્લાય ઓવર બ્રિજ નીચે હંગામી ધોરણે ખસેડવામા આવ્યું હતું. પંરતુ ખુલ્લી જગ્યામાં વાહનોની ચોરી, સ્ટાફને બેસવા માટેની સમસ્યા અને ઈમરજન્સીમાં વાહનો બહાર કાઢવા સુધીની અનેક સમસ્યાની ફરિયાદ બાદ ટેક્સટાઈલ માર્કેટની પે એન્ડ પાર્કની જગ્યામા ખસેડવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાના રીંગરોડ માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં લાંબા સમય બાદ રી-ડેવલપમેન્ટ માટે સફળતા મળી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટેનામેન્ટ બિલ્ડીગમાં માનદરવાજા ફાયર સ્ટેશન હતું તેને હંગામી ધોરણે બ્રિજ નીચેની જગ્યામાં ખસેડવામાં આવ્યું હતું. જોકે, આ જગ્યા ફાયર સ્ટેશન માટે અનુકુળ ન હોવાની ફરિયાદ બાદ સ્થાયી સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે.
આ અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને ફાયર સ્ટેશનનો સમાવેશ કરતા પ્રોજેક્ટની કામગીરી શાંતિ કન્સ્ટ્રક્શન (ગુજ.) પ્રા. લિ દ્વારા શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં તેને ફલાયઓવર બ્રિજ ની નીચે પાર્કિંગ જગ્યા હંગામી ધોરણે ફાયર સ્ટેશન ખસેડવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓએ આ સ્થાન ફાયર સેવાઓ માટે અનુકૂળ નથી એવી સ્પષ્ટતા કરી છે. કારણ કે આગ કે અકસ્માત સમયે ફાયર વાહનોને તાત્કાલિક બહાર નીકળવાનો માર્ગ નથી, નજીકમાં ચાર રસ્તા તથા મેટ્રોનું ચાલુ કામ હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે તેવો મત રજૂ કર્યો હતો.
આ પહેલા સ્થાયી સમિતિએ 1837/2024, તા.28-11-2024, જેના અંતર્ગત સુરત ટેક્સટાઈલ માર્કેટ પાસેની પે એન્ડ પાર્ક જમીન અન્ય હેતુ માટે ફાળવવાનો નિર્ણય કર્યો હતો તેને રદ્દ કરી દેવામા આવ્યો છે. આ ઉપરાંત આ જગ્યાએ માનદરવાજા ફાયર સ્ટેશનને જરૂરી સુવિધા સાથે ખસેડવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ નિર્ણયના કારણે આગ તથા અકસ્માત સલામતી સેવાઓમાં કોઈ વિક્ષેપ ન પડે અને નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહેશે.