તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય : 32 ફેરા રહેશે
Western Railways : પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા હેતુ વટવા અને રકસૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે.
વટવા-રકસૌલ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે વટવાથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે 4 વાગ્યે રકસૌલ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દોડશે. તેવી જ રીતે રકસૌલ-વટવા સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે રકસૌલથી સવારે 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 8 વાગ્યે વટવા પહોંચશે. આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર સુધી દોડશે. આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત 5 ઓક્ટોબરના બદલે હવે 28 ડિસેમ્બર સુધી લંબાવી છે. તેવી જ રીતે રકસૌલ-ઉધના સ્પેશિયલ ટ્રેનની મુદત 4 ઓક્ટોબરના બદલે 3 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ ટ્રેનોનું બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટર તથા આઇઆરસીટીસી પર થઈ શકશે.