જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય
- માર્ગ અને મકાન વિભાગના તજજ્ઞોની ટીમની તપાસમાં
- વર્ષો જૂના મહુવા-ઉમણિયાવદર વચ્ચે અને વરતેજ-વલ્લભીપુર વચ્ચે માઈનોર બ્રિજમાં કેપમાં ક્રેક અને સ્લેબમાં સ્પોટ જણાયા
વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજનો હિસ્સો તૂટી પડતા ભાવનગર જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના વિવિધ બ્રિજની સ્થિતિ અંગે ગાંધીનગરની ડિઝાઈન સર્કલ, કન્સલ્ટન્સી તથા માર્ગ-મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગયા શનિવારથી ચકાસણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ આ સર્વે ચાલી રહ્યો છે.
દરમિયાનમાં, ઈ.સ. ૧૯૭૯માં બનેલ મહુવા-ઉમણિયાવદર પુલની ચકાસણી કરવામાં આવી હતી. એ જ રીતે વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરના બ્રિજમાં કેપમાં ક્રેક તથા સ્લેબમાં સ્પોટ જોવા મળતા આ બન્ને બ્રિજ ભાર વાહનોની અવર-જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હળવા વાહનો પસાર થઈ શકશે. આ અંગેનું જાહેરનામું આવતીકાલ તા. ૧૬ના રોજ પ્રસિદ્ધ થવાની સંભાવના છે.
ભારે વાહનો વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકશે
વરતેજ-વલ્લભીપુર વચ્ચે ઘેલો નદી પરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવાયો છે ત્યારે તેના વૈકલ્પિક માર્ગ તરીકે વલ્લભીપુર-માઢિયા વાયા આણંદપર માર્ગનો ઉપયોગ કરી શકાશે. તેમ વર્તુળોએ જણાવ્યું હતું.