Gujarat

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય

By GS TEAM
4 Apr 20262 mins read
થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય

40 હજારથી વધુ શ્રમિકો વતન ભણી રવાના

 ગેસના ભાવ વધારા અને સ્લેબની ગૂંચવણથી ઉદ્યોગકારોને મુશ્કેલી, ગેસ કંપનીને પડતર પ્રશ્રો મુદ્દે રજૂઆતો 

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક હબ ગણાતા થાનગઢમાં ૨૫૦થી વધુ એકમોએ ૧ મે સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગેસના નવા સ્લેબ અને ભાવ વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા ઉદ્યોગકારોએ કારખાનાઓને તાળાં મારી દીધા છે. જેના કારણે હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગ હાલ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ગેસના ભાવમાં થયેલો વધારો અને મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી વેપાર પર માઠી અસર પડી છે. આ સંજોગોમાં પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા તમામ એકમો ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળ કે સ્વયંભૂ વેકેશનને કારણે અંદાજે ૪૦,૦૦૦થી વધુ કારીગરો છૂટા થઈ વતન પરત ફર્યા છે.

બીજી તરફ, ગુજરાત ગેસ દ્વારા જાહેર કરાયેલા નવા ત્રણ પ્રકારના સ્લેબ (૫૦%, ૩૦%, ૨૦%) મુજબ ગેસના વપરાશની ચુકવણી કરવાની રહેશે. જોકે, ઉદ્યોગકારો આ જટિલ સ્લેબ પદ્ધતિ અને વધારાના ચાર્જીસને કારણે ઉત્પાદન ખર્ચ નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસોસિએશન દ્વારા કંપનીને રજૂઆત કરવામાં આવી છે કે નવા સ્લેબનો અમલ ૦૯ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા ૧૫ દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી શ્રમિકો પરપ્રાંતમાં જતા રહ્યા છે, જેના કારણે ઉત્પાદન તુરંત શરૃ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠીઓ શરૃ કરવામાં પણ ત્રણ-ચાર દિવસનો સમય લાગે તેમ છે. આથી, જ્યાં સુધી ગેસના ભાવ અને સ્લેબ અંગેની ગૂંચવણ દૂર ન થાય અને શ્રમિકો પરત ન આવે ત્યાં સુધી ઉદ્યોગ બંધ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.