Gujarat

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત

By GS TEAM
23 Feb 20262 mins read
અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત

અમદાવાદ,સોમવાર,23 ફેબ્રુ,2026

અમદાવાદ બહારથી મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો લાવી પનીર તરીકે વેચવામાં આવી રહયો છે.શહેરના સોલારોડ ઉપરાંત વેજલપુર તથા નરોડાના જીઆઈડીસી ફેઝ વનમાં આવેલા ડેરી એકમોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે રુપિયા ૫૨,૮૮૦ની કિંમતના એનાલોગ પનીરનો જથ્થો સીઝ કર્યો છે.આ ઉપરાંત નવરંગપુરા, વેજલપુર,જોધપુર ઉપરાંત સેટેલાઈટ,નિકોલ તેમજ ઠકકરબાપાનગર સહિતના વિસ્તારોમાં આવેલી દસ જેટલી હોટલમાંથી લેવામા આવેલ પનીરના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે. ફુડ સેફટી એકટની જોગવાઈ મુજબ એનાલોગ પનીર વેચી શકાય છે.પરંતુ એનાલોગને પનીર બતાવવુ એ છેતરપીંડી છે.

કોર્પોરેશનના ફુડ વિભાગને કોર્પોરેશન હદ બહારના વિસ્તારમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો મંગાવી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી હોટલ,રેસ્ટોરન્ટ તથા ડેરી પ્રોડકટસ વેચતા યુનિટો સુધી સપ્લાય કરવામા આવતુ હોવાની જાણ થતા આ મહિનાની શરુઆતથી જ દુધ અને દુધની બનાવટો વેચતા એકમોમા સઘન તપાસ શરુ કરવામા આવી હતી. ૧૧૦થી વધુ સેમ્પલ લઈ કોર્પોરેશન સંચાલિત લેબોરેટરીમા તપાસ માટે મોકલી અપાયા છે. ફુડ વિભાાગના અધિકારી ડોકટર તેજસ શાહે કહ્યુ, ૧૦ એકમોમાંથી લેવાયેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતા પેનલ્ટી વસૂલ કરાઈ છે. આગામી સમયમાં ફુડ વિભાગ એનાલોગને પનીરના નામે બતાવી શહેરમાં ઘુસાડનારા વિક્રેતા સુધી પહોંચવા માંગે છે.

કોનો કેટલો જથ્થો સ્થગિત કરાયો

નામ              જથ્થો(કિ.ગ્રા.)        કિંમત

આર.કે.ડેરી,સોલારોડ    ૧૪           ૪૨૦૦

વિજય ડેરી,વેજલપુર    ૧૧૦      ૩૩,૦૦૦

ક્રીષ્ના ડેરી,નરોડા,જીઆઈડીસી   ૪૯     ૧૫,૬૮૦

એનાલોગ પનીર શેમાંથી બનાવાય છે?

-વેજીટેબલ તેલ, સ્ટાર્ચ અને દુધ પાવડરમાંથી બનાવાય છે.

-પામ તેલ જેવી વેજીટેબલ ચરબી હોય છે.

-પોષક મુલ્યો અને પ્રોટીન ઓછુ હોય છે.

-થોડો કૃત્રિમ સ્વાદ હોય છે

- વધુ તેલ અને સ્ટાર્ચ હોવાથી આરોગ્ય માટે ઓછુ સારૃ

-મિલ્ક પનીર કરતા સસ્તુ મળે છે.