Jamnagar News : જામનગર તાલુકા પંચાયત હસ્તકના સિક્કા ગામની આંગણવાડીમાં કામ કરતી મહિલાનું મૃત્યુ નીપજતાં ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. સુપર વાઈઝરના ત્રાસના કારણે તેઓ માનસિક ચિંતામાં હતા. જેના પરિણામે મહિલાનું મૃત્યુ થયાનો પણ આક્ષેપ થયો છે. હાલ તો સમગ્ર મામલે તપાસ ચલી રહી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતા લીલાબેન નામના મહિલાનું આજે (6 ડિસેમ્બર) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મહિલાના મૃત્યુ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક સાથી કર્મચારીઓ દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે, પોતાના સુપરવાઇઝર દ્વારા કામ બાબતે સતત ત્રાસ આપવામાં આવતો હતો. સહકર્મીઓએ આક્ષેપ કર્યો છે કે, સુપરવાઈઝરના માનસિક ત્રાસ અને સતત કામના ભારણના કારણે લીલાબેનનું મૃત્યુ થયુ છે.
સીડીપીઓ ગ્રામ્ય ઘટક-2, પ્રગતિબેન છાત્રોલાના જણાવ્યા મુજબ, સ્ટાફમાં સામાન્ય બાબતે વિવાદ ચાલતો હતો અને મુખ્ય સેવિકા ભાનુબેન જાદવ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. તેવી ફરિયાદ મળતા બે દિવસ પહેલા મતભેદ અંગે સમાધાનનો પણ પ્રયત્ન કર્યો હતો. મૃત્યુ પામનાર લીલાબેન દ્વારા સગર્ભાવસ્થા માટેની રજાની માંગણી કરવામાં આવી હતી અને છેક સુધી ફરજમાં જ હતા. કદાચ તેઓ પ્રસૂતિ પછી એક સાથે છ માસની રજા મેળવવાની માંગ કરી હોય શકે. હાલ તો સમગ્ર મામલે ઉપરી અધિકારી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


