વડોદરા,વાઘોડિયા રોડ પર બસ રિવર્સમાં લેતા સમયે કંડક્ટર પર તેના પૈંડા ફરી વળતા મોત થયું હતું.બાપોદ પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સનફાર્મા રોડ સાંઇ દર્શન વુડાના મકાનમાં રહેતા દિનેશભાઇ ત્રિભુવનભાઇ પરમાર છૂટક કામ કરે છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યે રામદેવ ટ્રાવેલ્સની બસમાં તે કંડક્ટર તરીકે ગયો હતો. બસના ડ્રાઇવર રવિ શંકરભાઇ માળી હતા. તેઓ બાપોદ ખાતે લગ્ન પ્રસંગમાં જાન લેવા ગયા હતા. વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તાથી ભવન પાર્ટી પ્લોટ તરફ જવાના રસ્તા તરફ વક્રતુંડ બ્લીસ ચાર રસ્તા પાસે સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ બસ પાસે ઊભા હતા. ડ્રાઇવર રવિએ બસ રિવર્સમાં લેતા કંડક્ટરના જમણા પગ પર બસના પૈંડા ફરી વળ્યા હતા. ગંભીર ઇજા થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેઓનું મોત થયું હતું


