રાજકોટ જિલ્લામાં જીવલેણ જંતુનો આતંક યથાવત : હવે ભૂખી ગામે યુવાનને કરડયું
આરોગ્ય, પશુપાલન, વન વિભાગને પણ ગડમથલ સરકારી ચોપડે સત્તાવાર 10 લોકો ઝેરી જંતુની ઝપટે ચડયા, એમાં 1 વૃધ્ધનું મોત, પણ વાસ્તવિક આંક ઉંચો હોવાની ચર્ચા
રાજકોટ, : રાજકોટ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી અજ્ઞાાત જીવલેણ જંતુએ આતંક મચાવ્યો છે, જે હવે ધોરાજીના ભૂખી ગામે યુવાનને કરડી જતાં આંખો-મોઢું સુજી જવાથી સારવાર માટે ખસેડવો પડયો છે. ભેદી જંતુ શું છે ? એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખૌફનો માહોલ છે. આ મામલે તપાસ બાદ પણ કંઈ કડી નહીં મળતા આરોગ્ય, પશુપાલન, વન વિભાગની ગડમથલ યથાવત રહી છે. વળી, સરકારી ચોપડે સત્તાવાર 10 લોકો ઝેરી જંતુની ઝપટે ચડયા છે, એમાં એક વૃધ્ધનું મોત નીપજ્યું છે. જો કે, વાસ્તવિક આંક ઉંચો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
રાજકોટ જિલ્લામાં બે મહિના દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ અજ્ઞાાત જીવજંતુ કરડી જવાથી લોકોને પહેલા સોજા ચડે છે, તાવ આવે છે, પછી ફોલ્લા થવા સાથે તેમાં રસી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફથી માંડીને કિડની સુધી અસર પહોંચી જવાથી હાલત ગંભીર બની જાય છે. અત્યાર સુધીમાં ધોરાજીના પાટણવાવમાં 5, જામકંડોરણાના ધોળીધારમાં 3 અને જેતપુરના ઉમરાળી ગામે 2 મળીને કુલ 10 કેસ આવ્યા છે, જેમાં 83 વર્ષના એક વૃધ્ધનું મોત નીપજ્યું છે. પીડિતોમાં 6 પુરૂષ અને 4 મહિલા છે. . પીડિતો અને મૃતકનાં રસી અને લોહીના રીપોર્ટ પણ કરવામાં આવ્યા, પણ કોઈ બેક્ટેરીયલ ગ્રોથ જણાયો નથી. આ સાથે પશુપાલન અને વન વિભાગની પણ મદદ લેવાઈ છે, પણ જંતુ વિશે કંઈ જાણી શકાયું નથી. આ દરમિયાન ગઈકાલે રાત્રે ધોરાજી તાલુકાના ભુખી ગામે વાડી વિસ્તારમાં રહેતા મુકેશ જેઠવા નામના યુવકને આંખની આજુબાજુ કોઈ ઝેરી જીવજંતુ કરડી જતાં આંખ અને ચહેરા પર સોજા ચડવા સાથે અસહ્ય દુઃખાવો અને બળતરા શરૂ થતાં ગંભીર હાલતમાં સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.