Get The App

કેશોદમાં જીવલેણ આખલા- યુદ્ધ, યુવક પછડાયો ને ખૂંટ માથે પડયો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
કેશોદમાં જીવલેણ આખલા- યુદ્ધ, યુવક પછડાયો ને ખૂંટ માથે પડયો 1 - image

રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ

લડતા આખલાએ બાઇકને હડફેટે લીધા બાદ યુવક પટકાઈ ગયો એવામાંં એક આખલો તેના પર પડતાં અકાળે જીવ ગુમાવવો પડયો

જૂનાગઢ: કેશોદમાં રખડતા પશુઓના આતંકથી એક યુવાને જીવ ગુમાવવો પડયો છે. લડતા આખલાએ બાઈક ચાલક યુવકને પછાડી દીધો હતો, બાદમાં તેના પર આખલો ચડયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ બનાવ પાછળ પાલિકાની બેદરકારી કારણભૂત હોવાનો જનાક્રોશ પ્રવર્તે છે.

આ અંગેની વધુ વિગત મુજબ, કેશોદના લીમડા ચોક વિસ્તારમાં રહેતો સોયબ ગફારભાઈ મહીડા (ઉ.વ.૩૪) ગઈકાલે સાંજે બાઈક લઈ દુકાને જતો હતો ત્યારે લીમડા ચોક નજીક બે આખલા અંદરોઅંદર લડતા હતા. લોકો આ આખલાઓના ડરથી બાજુમાં જતા રહ્યા હતા. આ દરમ્યાન સોયબ બાઈક પરથી પસાર થયો ત્યારે લડતા આખલાએ તેને હડફેટે લેતા સોયબ પટકાયો હતો. બાદમાં એક આખલો તેના પર પડયો હતો. જેમાં સોયબને ગંભીર ઈજા થતા કેશોદ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરમાં રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શેરી-ગલી તથા મુખ્ય રસ્તા પર લડતા આખલાઓના કારણે લોકો ઘર બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. લડતા આખલાઓના કારણે યુવાને જીવ ગુમાવવો પડયો છે. હવે વધુ કોઈ વ્યક્તિ રખડતા પશુનો ભોગ ન બને તે માટે નગરપાલિકા ગંભીર બની પશુઓને પકડવાની કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.