નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટેલની વાનગીમાંથી મરેલો વંદો નીકળતા સીલ

- રસોડામાં વ્યાપક ગંદકી અને સ્વચ્છતાનો અભાવ
- ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ હોટેલને સીલ કરી રૂા. 10 હજારનો દંડ પણ ફટકારાયો
નડિયાદ શહેરમાં રવીન્દ્ર નાનકિંગ હોટેલમાંથી ગ્રાહક ચાઈનીઝ વાનગી પનીર ચિલી પેક કરાવી ઘરે લઈ ગયો હતો. પેકિંગ ખોલતા વાનગીની અંદરથી મરેલો વંદો મલી આવ્યો હતો. આ અંગે મનપામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે નડિયાદ મનપાની ફૂડ વિભાગની ટીમ અને સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમે હોટેલના રસોડા અને અન્ય વિસ્તારની તપાસ કરી હતી. ત્યારે રસોડામાં વ્યાપક ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જણાયો હતો.
રવીન્દ્ર નાનકિંગ હોટેલમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન જણાઈ આવ્યું હતું. પરિણામે કોર્પોરેશનની ટીમે રવીન્દ્ર નાનકિંગ હોટેલને સીલ મારી દીધું હતું. ઉપરાંત હોટેલને રૂા. ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આગામી સમયમાં જિલ્લાની કોઈ પણ હોટેલમાં ફૂડ સેફેટી કે સ્વચ્છતાનો અભાવ જણાશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાશે.