ભરૂચના કોંઢ ગામ નજીક લોહી લુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
Bharuch News: ભરૂચ જિલ્લાના કોંઢ ગામ નજીક મહિલાનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી છે. સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચથી મહિલાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાના નિશાન જોવા મળ્યો છે. આ ઘટનાની જાણ થતા વાલિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના: હજુ પણ ગુમ બે લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, મૃત્યુઆંક 18
મહિલાની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી
મળતી માહિતી અનુસાર, નાળા નીચથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા તર્ક-વિતર્ક સર્જાયા છે. હાલ પોલીસે મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે. મહિલાની હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ગળાના ભાગે હથિયારના ઘા માર્યા હોય તેવા નિશાન જોવા મળ્યા છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને મહિલાની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત મૃતક મહિલા અંગે માહિતી મળે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સૂચના આપી છે.