ડીડીઓએ તલાટીને એક જ દિવસમાં સસ્પેન્ડ કરતા તલાટીઓની આજથી હડતાળ
- ઓલપાડના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને સાંભળ્યા વગર સસ્પેન્ડ કરાતા વિવાદઃ સસ્પેન્શન પરત ન ખેંચાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે
સુરત
સુરત જિલ્લા પંચાયતના ડીડીઓ વિવાદના ઘેરામાં આવી ગયા છે. એક ફરિયાદના આધારે ઓલપાડના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને એક જ દિવસમાં ફરજ મોકૂફ કરી દેતા અકળાયેલા તલાટી મંડળ દ્વારા આજે આવેદનપત્ર પાઠવીને જયાં સુધી તલાટીનું સસ્પેન્સન પાછુ નહીં ખેંચાઇ અને મંડળમાંથી બીજો હુકમ નહીં થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારીના આ હુકમની વિરુદ્વમાં ગુરૃવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કરાયો છે.
સુરત જિલ્લા તલાટી ક્રમ મંત્રી મંડળ દ્વારા આજે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઇ હતી કે ઓલપાડના કારેલી ગામના ઇન્ચાર્જ સરપંચ કેતન જાસોલીયા સમક્ષ ગત ૨૫ મી જુલાઇના રોજ એક મહિલા અરજદાર પંચાયતની આકારણી માટે આવી હતી. તલાટી દ્વારા જે તે સમયની નકલ તેમજ પંચાયત કરવેરા ભરી રસીદ પણ આપી દેવામાં આવી હતી. આ સમયે ગામના સરપંચ પંચાયતની ઓફિસમાં આવતા આકારણી બીજીવાર કરાવવા માટે માથાકુટ કરી હતી. આ બાબતે તલાટીએ શાંતિપૂર્વક વાત કરવા જણાવતા મહિલા ઉશ્કેરાઇ જઇને તલાટી અને સરપંચને સસ્પેન્ડ કરવાની ધમકી આપી જણાવ્યુ હતુ કે હું આર.એસ.એસમાં છુ. તેમજ મારો દિકરો આઇ.એ.એસ અધિકારી છે. હું જોઇ લઇશ. આ બાબત બાદ સીધી ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીને કરાઇ હતી. અને તેમણે તત્કાળ તલાટીને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કર્યો હતો. આ હુકમ એકતરફી કોઇ પણ જાતની તપાસ કાર્યવાહી પૂર્ણ કર્યા વગર કોઇને સાંભળ્યા વગર, વગદારની રજુઆતોને ધ્યાને લઇને ફરજ મોકૂફીનો જે હુકમ કર્યો છે.તે કુદરતી ન્યાયના સિદ્વાતની વિરુદ્રમાં છે.
આથી તલાટી મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે આવતીકાલ ગુરૃવારથી લડતનું રણશીંગુ ફુકયુ છે. મંડળ દ્વારા જયાં સુધી જિલ્લા વિકાસ અધિકારીએ જે હુકમ કર્યો છે. તે હુકમ પાછો નહીં ખેંચે અથવા તો આ બાબતે કોઇ નક્કર નિરાકરણ નહીં આવે કે પછી મંડળનો બીજો આદેશ નહીં કરે ત્યાં સુધી દરેક તાલુકા ખાતે તલાટીઓ તમામ કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા કક્ષાએ હાજર રહી માત્ર આવશ્યક સેવાઓ સંબંધિત અને આપતિ વ્યવસ્થાપન સિવાય તમામ પ્રકારની કામગીરી બંધ કરવાનો આદેશ કરાયો છે.
જો આમ જ ચાલશે તો અસામાજિક તત્વોને પોત્સાહન મળશે : તલાટી મંડળ
કારેલીના
સરપંચ કેતન જાસોલીયાને એકાએક ડીડીઓએ સસ્પેન્ડ કરતા તલાટી મંડળ ડીડીઓના હુકમ સામે
ભારે ખફા થયુ છે. કેમકે એક જ દિવસમાં રજુઆત અને એક જ દિવસમાં તલાટીને સાંભળ્યા વગર
સીધો ફરજ મોકૂફી કરવાનો હુકમ યોગ્ય નથી. તલાટી મંડળ દ્વારા થયેલા આદેશમાં સ્પષ્ટ
લખ્યુ છે કે ગ્રામ પંચાયત કક્ષાએથી વહીવટ કરવો ખુબ જ કઠીનતાભર્યો બને તેવી ભીંતી
સેવાઇ રહી છે.તેમજ આજ મેરીટથી આવી ઉપજાવી કાઢેલી
અને તંત્રને બાનમાં રાખવાના ઇરાદાપૂર્વક અને માત્રને માત્ર અરજદારની
અહેમીયત જાહેર થાય તેવા કારણોસર મોકુફી કરવામાં આવે તો ફરજ કેવી રીતે બજાવવી ? જો આમ જ ચાલશે તો
અસામાજિક તત્વોને પોત્સાહન મળ્યુ ગણાશે.
મહિલા સાથે અસભ્ય વર્તન કર્યુ હતું અને આ કેસની સેન્સેવીટી ધ્યાનમાં રાખીને પગલા લેવાયા છે : ડીડીઓ
તલાટી કમ મંત્રીને એક જ દિવસમાં સસ્પેન્ડ કરવાના
હુકમને લઇને જે વિવાદ થયો છે. અને હડતાળ પર જવાનું નક્કી કરાયુ છે. તેને ધ્યાનમાં
રાખીને સુરત જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે તલાટી
દ્વારા મહિલા અરજદાર સાથે ગેરવર્તણુક કરાઇ હતી. બોલાચાલી પણ થઇ હતી. આથી મહિલાની
અસભ્ય વર્તન થયાની ફરિયાદ મળ્યા બાદ તાબડતોડ તપાસ કરાવ્યા પછી જ હુકમ કર્યો છે. આ
કેસની સેન્સેવીટીને ધ્યાનમાં રાખીને એકશન લેવાયા છે.