ઉના પંચાયત પેટા વિભાગની સિંચાઈ કચેરી DDOએ અડધી રાત્રે સીલ કરી
કચેરીના ઇજનેર પર આક્ષેપ બાદ સીલ કરવાની કાર્યવાહીથી ચકચાર 'હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન આવતાં કચેરી સીલ કરી દીધી' : સિંચાઈ વિભાગના ઈજનેર
ઉના, : ઉના પંચાયત વિભાગની પેટા સિંચાઈ કચેરી ભ્રષ્ટાચારને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે એ દરમ્યાન ગત મોડી રાત્રે ગીર- સોમનાથ ડીડીઓએ સિંચાઈ વિભાગના ઇજનેરને બોલાવી પોલીસની હાજરીમાં રેકોર્ડ તપાસી અડધી રાત્રે એટલે કે બે વાગ્યે સીલ મારી દીધું હતું. ઉના પંચાયત વિભાગના ઇજનેરે 'હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન આવતા તેણે કચેરી સીલ કરી દીધી' એમ જણાવ્યું હતું. હાલ આ બાબત ઉના પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગેની વધુ વિગત મુજબ ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગની કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ ઉઠયા હતા. આ બાબતથી છેલ્લા ઘણા સમયથી આ કચેરી વિવાદમાં સપડાઈ છે.
આ દરમ્યાન ગતરાત્રીના ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર અને અધિક કલેકટર ઉના પંચાયત પેટા સિંચાઈ કચેરી ખાતે પહોંચ્યા હતા. અન્ય કોઈ સ્થાનિક અધિકારીને જાણ કર્યા વિના પંચાયત વિભાગના ઇજનેર સુનિલ રાઠોડને બોલાવી કચેરી ખોલાવી હતી. રેકર્ડ અને ફાઇલની તપાસ કર્યા બાદ રાત્રીના 2 વાગ્યે આસપાસ પોલીસને બોલાવી હતી. પોલીસની હાજરીમાં પંચાયત પેટા સિંચાઈ વિભાગ કચેરીને સીલ મારી દીધું હતું.
આ અંગે પંચાયત પેટા સિંચાઈ વિભાગના ઇજનેર સુનિલ રાઠોડે જણાવ્યું હતું કે 'હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન હતું તેથી મોડી રાત્રે ડીડીઓએ ઉના આવી કચેરીને સીલ કરી દીધી હતી.' સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી કોડીનાર એક કાર્યક્રમમાં હતા ત્યારે ફોન આવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ઉના જઇને મોડી રાત્રે આ કચેરી સીલ કરી દીધી હતી. આ અંગે ડીડીઓ અને અધિક કલેકટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ તેનો ફોન સતત નો રિપ્લાય થયો હતો.