Gujarat

ટુ-વ્હીલર્સ ચોરીના સસ્તામાં સ્ક્રેપ વેચતા બે શખ્સો ૧૨ વાહનો સાથે ઝડપાયા

By GS TEAM
22 Jun 20251 min read
ટુ-વ્હીલર્સ ચોરીના સસ્તામાં સ્ક્રેપ વેચતા બે શખ્સો  ૧૨ વાહનો સાથે ઝડપાયા

અમદાવાદ,રવિવાર

અમદાવાદના  વિવિધ વિસ્તારોમાં ટુ-વ્હીલર્સની ચોરી કરતા બે શખ્સોને ચોરીના બાર જેટલા વાહનો સાથે ડીસીપી ઝોન-૭ સ્ક્વોડના સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ ટુ વ્હીલરને ચાવી વિના ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કર્યા બાદ વાહનોને  ભગારમાં વેચાણ કરતા હતા. આરોપીઓએ અગાઉ પણ ચોરી કરી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના બોડકદેવ, સોલા સહિતના વિસ્તારોમાં ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી દ્વારા ટુ વ્હીલર્સની ચોરીની ઘટનાઓ વધતા ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વાય પી જાડેજાને બાતમી મળી હતી કે ટુ વ્હીલરની ચોરી કરતા શખ્સો બોડકદેવ  પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેટ્રો સ્ટેશનના પાર્કિગમાં પાસે આવ્યા છે. જેના આધારે વોચ ગોઠવીને ઇમરાન છીપા ( શાહનગર વિભાગ-૨,  શાહઆલમ)ને ઝડપીને પુછપરછ કરતા કુલ ૧૨ જેટલા ટુ વ્હીલર્સ ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. આ સાથે પોલીસે ઇમરાનના સાગરિત જંહાગીર મન્સુરી ( પાગામા ફ્લેટ, કાંરજ)ને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

ઝડપાયેલો આરોપી ઇમરાન છીપા વર્ષોથી ગેરેજમાં કામ કરતો હોવાથી તેનેે  વાહનને ડુપ્લીકેટ ચાવી તેમજ ડાયરેક્ટ ચાલુ કરવાની જાણકારી હતી. છેલ્લાં એક વર્ષથી તેણે ટુ વ્હીલરની ચોરી શરૂ કરી હતી અને તે વાહન જંહાગીર મન્સુરીને સ્ક્રેપમાં સસ્તામાં વેચાણ કરી દેતો હતો. આરોપીઓની પુછપરછમાં ટુ વ્હીલર ચોરીના અન્ય ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.